ગુજરાત

૨,૪ અને ૮ ડિસેમ્બરે શ્રેષ્ઠ મુર્હુતો હોવાથી ચિકકાર લગ્નોઃ મતદાનને પણ અસર થઈ શકે

ગુજરાતમાં ચૂંટણીની સાથોસાથ લગ્નોના ઢોલ પણ વાગવાના હોવાથી રાજકીય પક્ષો મુંઝવણમાં મુકાય તેમ છે. રાજયમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ બન્ને તબકકાના મતદાન થવાના છે અને આ અઠવાડિયામાં ૩૫૦૦૦ થી વધુ લગ્નો યોજાવાના છે.

ગુજરાતમાં ૧ અને ૫ ડિસેમ્બરે બે તબકકામાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ છે પરંતુ આ જ સમયગાળામાં ભરચકક લગ્નગાળો હોવાથી મતદાનને અસર થવાની આશંકા ઉભી થવા લાગી છે. જાણકારોના કહેવા પ્રમાણે ૧થી૫ ડિસેમ્બરના ગાળામાં ગુજરાતમાં ૩૫૦૦૦થી વધુ લગ્નો હોવાનો અંદાજ છે. આ સંજાગોમાં હજારોની સંખ્યામાં લોકો લગ્ન સમારોહમાં વ્યસ્ત હશે. બહારગામ પણ ગયા હશે એટલે મતદાન પર અસર થઈ શકે છે. રાજયમાં લગ્નગાળો ૨૨ નવેમ્બરથી શરૂ થવાનો છે અને જાન્યુઆરીમાં કમૂરતા સુધીમાં કુલ ૮૦૦૦૦ થી વધુ લગ્નો યોજાવાના છે.

ધાર્મિક પંડિતોના કહેવા પ્રમાણે આ વખતે ૨,૪ અને ૮ ડિસેમ્બરના લગ્નના અત્યંત શુભ-શ્રેષ્ઠ મુર્હુતો છે અને આ ત્રણ દિવસમાં જ રોજના ૧૫૦૦૦ થઈને કુલ ૪૫૦૦૦ લગ્નો હોવાનો અંદાજ છે. મતદાનના દિવસના આગલા-પાછલા દિવસે જ મોટી સંખ્યામાં લગ્નો હોવાથી બહારગામ ગયેલા લોકો પરત આવી શકવા વિશે શંકા છે અને તેની મતદાન પર અસર થઈ શકે છે.

આ વર્ષે નાઈટ કરફયુ કે કોરોનાને લગતા કોઈ નિયંત્રણો નથી પરિણામે લગ્નોની સંખ્યામાં ઘણો મોટો વધારો થયો છે. છેલ્લા બે વર્ષ દરમ્યાન પાછા ઠેલાયેલા લગ્નો કે તેને લગતા સમારોહ પણ આ નવેમ્બર-ડિસેમ્બરમાં ગોઠવવામાં આવ્યા છે. કોરોનાકાળમાં કોઈ સમારોહ વિના જ લગ્ન કરી લેનારા સંખ્યાબંધ પરિવારોએ પણ હવે સમારંભો રાખ્યા છે. રાજકોટ, અમદાવાદ સહિત રાજયભરના શહેરોમાં ૧થી૪ ડિસેમ્બર સુધી તમામ વાડી, હોલ, પાર્ટીપ્લોટ વગેરે બુક છે. આ ઉપરાંત એનઆરઆઈ-ડેસ્ટીનેશન વેડીંગનું પ્રમાણ પણ ઘણુ વધુ છે.

લગ્નો કરાવતા ગોરમહારાજાને પણ તડાકો છે. ૨ અને ૪ ડિસેમ્બરે એક-એક દિવસે જ ૩-૩ લગ્નોના બુકીંગ છે. લગ્ન પુર્વે પ્રિ-વેડીંગનો ટ્રેન્ડ છે. ઉપરાંત અન્ય વિધિ પણ રહેતી હોય છે એટલે પરિવારો તેમાં વ્યસ્ત રહેવાનું સ્વાભાવિક છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી વખતે પણ લગ્નગાળો હતો અને ત્યારે અંદાજીત ૨૫૦૦૦ લગ્ન સમારોહ હતા.

અમદાવાદ, રાજકોટની જેમ સુરત-વડોદરા જેવા મહાનગરોમાં પણ હાલત સમાન છે. શ્રેષ્ઠ મુર્હુતના દિવસોમાં સુરતમાં રાજયના ૨૦૦ લગ્નો છે. તમામ હોલ-વાડી-પાર્ટીપ્લોટ બુક છે. વડોદરામાં ૨,૪,૮ અને ૯ ડિસેમ્બરના સૌથી વધુ લગ્નો હોવાનું જણાવાય છે. ચૂંટણી મતદાન ઉપરાંત પ્રચારને પણ લગ્નગાળાની અસર થાય તેમ હોવાથી રાજકીય પક્ષો મુંઝવણમાં મુકાય શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x