પ્રદૂષણના કારણે દિલ્હીમાં મિની લોકડાઉન, પ્રાથમિક શાળા બંધ
દિલ્હીમાં ઝડપથી વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મિની લોકડાઉન લાગુ કર્યું છે. રાજધાનીમાં ધુમ્મસની સ્થિતિ પ્રવર્તી રહી છે અને હવાની ગુણવત્તા સતત બીજા દિવસે ‘ગંભીર’ શ્રેણીમાં છે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણમાં અસાધારણ વધારો થવાને કારણે રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓ અને સરકારી વિભાગોના 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 447 રહ્યો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે સવારે કહ્યું કે જ્યાં સુધી રાજધાનીમાં પ્રદૂષણની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી અમે દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ, પ્રાથમિક વર્ગો બંધ રાખીશું. રાજધાનીમાં ઓડ-ઈવન પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીએ છીએ કે દિલ્હીમાં કોઈ પણ બાળકને સ્વાસ્થ્ય અથવા જીવન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો ન પડે. દિલ્હીની શાળાઓ પણ 6ઠ્ઠાથી 12મા ધોરણના બાળકો માટે આઉટડોર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા છે
દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે શાળાએ જતા બાળકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બાળકોને વહેલી સવારે ઘરની બહાર નીકળવું પડ્યું હતું. તબીબોનું કહેવું છે કે દિલ્હીની હવા બાળકો માટે ઘણી ખતરનાક છે. તેમના માટે બહાર જવાનું ટાળવું ખૂબ જ જરૂરી છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે પણ શાળાઓ બંધ કરવાની ભલામણ કરી હતી. સાથે જ અનેક વાલીઓએ એમ પણ કહ્યું હતું કે સરકારે આ સ્થિતિમાં શાળાઓ બંધ કરવી જોઈએ.
દિલ્હી પેરેન્ટ્સ એસોસિએશને પણ શાળાઓ બંધ કરવાની માંગ કરી હતી. એસોસિએશને કહ્યું કે જ્યાં સુધી પ્રદૂષણનું સ્તર નીચે ન આવે ત્યાં સુધી શાળાઓને બંધ રાખવી જોઈએ. એસોસિએશનના પ્રમુખ અપરાજિતા ગૌતમે જણાવ્યું હતું કે જે બાળકોને અસ્થમા અથવા એલર્જી છે તેઓ આ દિવસોમાં ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વાતાવરણને કારણે સ્વસ્થ બાળકોમાં પણ બીમારીના લક્ષણો જોવા મળ્યા છે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓ બંધ રાખવાના આદેશની સાથે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે ઓનલાઈન વર્ગો ચાલુ રાખવાની પણ શક્યતાઓ છે.