ગાંધીનગર (દ) બેઠક પર કોંગ્રેસે અડાલજના ડૉ. હિમાંશુ પટેલને આપી ટિકિટ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ વિધાનસભા ચૂંટણીમાં ૪૩ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે તેમાં ગાંધીનગર (દ) બેઠક પર જિલ્લાના યુવા અગ્રણી અને અડાલજના ડૉ. હિમાંશુ પટેલના નામની જાહેરાતનો સમાવેશ થાય છે. ડૉ. હિમાંશુ પટેલે કાયદાશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે. વ્યવસાયે વકીલાત કરતા ડૉ. પટેલ સરદાર પટેલ રાજ્ય સ્મારક સમિતિના ટ્રસ્ટી પણ છે. આ ઉપરાંત જિલ્લાની મોટી સહકારી સંસ્થા ગણાતી ગાંધીનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન તેમજ વાઈસ ચેરમેન તરીકે સેવાઓ બજાવી ચુક્યા છે અને હાલમાં ડિરેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓ વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં સક્રિય છે. યુનિવર્સીટીના સિન્ડીકેટ, સેનેટ તેમજ વેલ્ફેર બોર્ડમાં રહી ચુક્યા છે. યુવા અગ્રણી તરીકે પણ અનેક યુવા સંગઠ્ઠનો સાથે પણ આજે સક્રિય રહી સારી લોકચાહના ઉભી કરી છે.
ગાંધીનગર તાલુકાના અડાલજ ગામના તેઓ વતની છે. ગ્રામ વિકાસ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ એ તેમના ગમતા વિષયો રહ્યા છે. અગાઉ તેઓ સરખેજ વિધાનસભાનો ચૂંટણી જંગ લડ્યા હતા. જો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સામે તેમનો પરાજય થયો હતો. જો કે આ પછી નવી રચાયેલી ગાંધીનગર (દ) બેઠક પર તેમણે ઘનિષ્ટ લોકસંપર્ક કરી રાજકીય સક્રિયતા વધારી છે.
ડૉ. પટેલ હાલ પ્રદેશ સમિતિના પ્રવક્તા પણ છે. ડૉ. પટેલની પંસદગીને જિલ્લાની આ બેઠકના વિવિધ સામાજિક સંગઠનોએ પણ આવકારી છે.
જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકો છે. કોંગ્રેસે હાલ માત્ર ગાંધીનગર (દ) બેઠકના ઉમેદવારની જ જાહેરાત કરી છે. જ્યારે માણસાના ચાલુ ધારાસભ્ય સુરેશ પટેલે ચુંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં જિલ્લાની બાકીની બેઠકોના ઉમેદવાર જાહે૨ કરાશે. ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાનો ચૂંટણી જંગ બીજા તબક્કામાં હોઈ પક્ષ દ્વારા હજુ ઉમેદવારોની પસંદગીને લઈ પ્રક્રિયા ચાલી રહી છે.