હડિયોલ ગામમાં ઉમિયા પરિવાર હિંમતનગર દ્વારા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સમસ્ત કડવા પાટીદાર સમાજના યુવાનોનો યુવા સ્નેહમિલન સમારોહ
દેવાય પાર્ટી પ્લોટ, હડિયોલ ગામ માં ઉમિયા પરિવાર હિંમતનગર દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સમસ્ત કડવા પાટીદાર સમાજ ના યુવાનોનો યુવા સ્નેહમિલન સમારોહ યોજાયો . જેમાં બંને જિલ્લા ના લગભગ 226 ગામો ના 5600 જેટલા યુવાનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી. કાર્યક્રમ માં ઉપસ્થિત સૌ મહેમાનો નું શાબ્દિક સ્વાગત યુવા સંમેલન ના કન્વીનિયર શ્રી લલિતભાઈ પટેલે કર્યું હતું. ત્યારબાદ શ્રી ભાનુભાઈ પટેલે શૈક્ષણિક ક્ષેત્રે આર્થિક સહાય , વિદેશ અભ્યાસ માટે ની તકો અને અભ્યાસ બાદ સમાજસેવા માટે માર્ગદર્શન આપી યુવાનો ને ઘર થી વિશ્વ સુધી કેવી રીતે હરણફાળ ભરી શકાય એ માટે માર્ગદર્શન આપી પ્રેરિત કર્યા હતા. સમારોહ ના સહકન્વીનિયર શ્રી નલિનભાઈ પટેલે યુવાનો ને નવા ક્ષેત્રો માં રહેલી તકો , આર્થીક વિકાસ ના વિઝન વિષે વ્યવસાયિક માર્ગદર્શન આપી યુવાનો ને સહિયારા પ્રયાસ દ્વારા નવીન ક્ષેત્ર માં ઝંપલાવી સફળ થવા માટે ની ટિપ્સ આપી હતી. તેઓ એ જણાવ્યું કે જો યુવાનો વ્યવસાયિક રીતે સફળ થશે તો આર્થિક વિકાસ સર્જાતા યુવાનો નો સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે નો દ્રષ્ટિકોણ બદલાશે અને તેઓ સ્વ ને બદલે સર્વ નો વિચાર કરતા થશે અને સમાજ માં નવી રોજગારી પેદા કરી શકશે. આમ પણ પાટીદાર સમાજ એ દરેક સમાજ ને સાથે લઈ ચાલનાર , સર્વ ના હિત નો વિચાર કરી સમાજ અને રાષ્ટ્ર નો વિચાર કરનાર સમાજ છે તેવી વાત કરી હતી.ત્યારબાદ શ્રી મુકુલભાઈ પટેલે યુવાનો ને વ્યસન ને કારણે કુટુંબ પરિવાર ને અને સ્વ ને થતા શારીરિક નુકશાન , આર્થિક નુકશાન ની વાત કરી વ્યસન મુક્તિ માટે યુવાનો ને પ્રતિજ્ઞા લેવડાવી હતી.
આજે ખેતીલાયક જમીન ધટી રહી છે ત્યારે આધુનિક ઉપકરણો દ્વારા ખેતી કેવી રીતે કરી શકાય, ઓછી મહેનતે અન્ન ઉત્પાદન કેવી રીતે વધારી શકાય અને ઓર્ગેનિક કૃષિ કેવી રીતે કરી શકાય એના વિશે વિવિધ ઉદાહરણો દ્વારા શ્રી મુકેશભાઈ પટેલે ઊંડી સમજ આપી હતી. અભણ જ ખેતી કરે એવો અભિગમ છોડી ભણેલ યુવાન પણ પોતાની ક્ષમતા કૃષિ માં લગાડી અન્ન ઉત્પાદન વધારી આર્થિક સક્ષમતા પ્રાપ્ત કરી શકે છે અને અન્ય લોકો ને રોજગારી પણ આપી શકે છે એવી સમજ આપી હતી. મહેશભાઈ પટેલે ગોળ પ્રથા નાબૂદ કરી સામાજિક એકતા સ્થાપી સમાજ અને રાષ્ટ્ર ના ઉત્થાન માટે સમર્પણ ભાવ પેદા કરવા માટે ની વાત કરી હતી. ઉમિયા પરિવાર હિંમતનગર ના પ્રમુખ શ્રી ગિરધરભાઈ પટેલે સામાજિક એકતા પર પોતાના વિચારો રજુ કરી સામાજિક વિકાસ માટે સહયોગી બનવા યુવાનો ને આહવાન કયું હતું.આમંત્રિત મહેમાનો માંથી શ્રી પ્રવીણભાઈ પટેલે પ્રાસંગીક પ્રવચન દ્વારા પોતાના વિચારો રજૂ કરી યુવાનો ને પ્રેરિત કર્યા હતા. ત્યારબાદ આજ ના સમારોહ માં સહયોગ આપનાર દાતાશ્રીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. અંત માં શ્રી હિતેષભાઈ પટેલે સમાજ ના તમામ યુવાનો ને પ્રતિજ્ઞા લેવડાવી હતી અને આ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ 14 ગોળ ના પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓનો તથા ઉમિયા પરિવાર હિંમતનગર ના પ્રમુખશ્રી ગિરધરભાઈ પટેલ , મંત્રીશ્રી રામાભાઈ પી.પટેલ તથા ઉપસ્થિત યુવાનનો અને તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અંત માં મા ઉમિયા ની આરતી કરી મા નો જયકારો બોલાવી , મા ના આશીર્વાદ પ્રાપ્ત કરી સૌ યુવાનોએ ભોજન પ્રસાદ પ્રાપ્ત કર્યો હતો.