અરવલ્લી ‘આપ’ માં ભડકો, સ્થાનિક ઉમેદવારની બાદબાકી થતાં રાહુલ સોલંકીના સમર્થકો નારાજ, વિરોધની પણ ચીમકી
વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગણા સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પંચાયતની ચૂંટણીમાં સારો દેખાવ કરનારી આમ આદમી પાર્ટીમાં હવે ભડકો થયો છે. ચૂંટણીને લઇને 31 મોડાસા વિધાનસભા બેઠક પર રાજેન્દ્રસિંહ પરમાના નામની જાહેરાત થતાં જ રાહુલ સોલંકીના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે, એટલું જ નહીં રાહુલ સોલંકીના સમર્થનમાં રહીને આગામી દિવસોમાં રાજીનામા સહિત દેખાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
મોડાસા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ પરમારનું નામ જાહેર કરાયું છે, નામ જાહેર થતાં જ મોડાસા આમ આદમી પાર્ટીમાં ભડકો થયો અને વિરોધના સૂર જોવા મળ્યા હતા. મોડાસા તાલુકા પંચાયતના સભ્ય અને પાયાના કાર્યકર તરીકે કાર્યરત રાહુલ સોલંકીને ટિકિટ આપવાની ઉગ્ર માંગ આપના સમર્થકોએ કરી છે. આ પહેલા મોડાસા હજીરા વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં આપના કાર્યકરો એકત્રિત થયા હતા ત્યારે મંગળવારના રોજ પણ આપના કાર્યકરો મોડાસાના ગાજણ ખાતે એકઠા થઈને વિરોધ દર્શાવ્યો હતો.