સરકારે એક પણ માગણી ન માની છતાં હાર્દિકે કહ્યું, હું જીતી ગયો
ગાંધીનગર:
પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીની માગ સાથે અમરણાંત ઉપવાસ પર બેઠેલા પાસ કન્વીનર હાર્દિક પટેલે બુધવારે ઉપવાસના 19માં દિવસે પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓના મોભીઓના હસ્તે પાણી પીને પારણાં કર્યાં હતાં. હાર્દિકે જણાવ્યું કે, સમાજની લાગણીને માન આપીને મેં પારણાં કર્યાં છે પણ સરકાર સામે લડાઈ આગળ ચાલુ રહેશે. જીવીશું તો લડીશું, લડીશું તો જીતીશું. સમાજ સામે ઝૂકીશ પણ સરકાર સામે નહીં. સરકારે હાર્દિકની એક પણ માગણી માની નથી છતાં હાર્દિકનું માનવું છે કે તે જીતી ગયો છે.
પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓના વડા નરેશ પટેલ, પ્રહલાદ પટેલ અને સી.કે.પટેલના હસ્તે ત્રણ અલગ અલગ ગ્લાસથી પાણી, લીંબુ પાણી અને નારિયેળ પાણી પીને પારણાં કર્યાં હતાં. પારણાં કરીને હાર્દિકે ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી. પારણાં પછી ગાંધી આશ્રમની મુલાકાત લઈ હાર્દિકે ભગતસિંહના બદલે ગાંધીના માર્ગે ચાલવાનો સંકલ્પ લીધો હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકે અગાઉ માન્યું ન હતું, પાટીદાર સમાજના લોકોની લાગણી તે વખતે સ્વીકારી ન હતી, નરેશભાઇ પારણા કરાવવા ગયા હતા,પણ કર્યાં ન હતા અને ગુજરાત સાથે કંઇ લેવાદેવા નથી એવા રાજકીય નેતાઓના હાથે હાર્દિકે પાણી પીધું હતું. બિનશરતી જે પારણા કર્યાં છે એ સારી વાત છે. સરકાર અને સમાજ બધુ શાંતિથી ચાલશે.