ગાંધીનગર જિલ્લામાં પોલીસને ચૂંટણીમાં યુનિફોર્મ પહેરવાનો આદેશ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. બે તબક્કામાં મતદાન થશે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગાંધીનગર રેન્જના આઈજી દ્વારા જિલ્લા પોલીસની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તમામ એસએચઓને કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓ યુનિફોર્મમાં જ રહે. આ સાથે આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર ઉત્તર, દક્ષિણ, કલોલ, માણસા અને દહેગામ વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે.
પાંચ બેઠકો મોટાભાગે ગ્રામ્ય વિસ્તારની છે. ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ તમામ વિસ્તારોમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે તમામ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી હતી.તમામ અધિકારીઓને પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડકાઈથી રહેવા અને ખાસ કરીને યુનિફોર્મ પહેરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રૂબરૂ ન થાય અને શહેરીજનોને શાંતીથી સમજાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો.પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરવા તેમજ સંવેદનશીલ વિસ્તારો પર ચાંપતી નજર રાખવા આદેશ આપ્યો હતો.