ઇડરના ગામડાઓમાં ચૂંટણીને લઈ આર્મી ફ્લેગ માર્ચ યોજાઈ; એસએમસ-સોશિયલ મીડિયાના દૂર ઉપયોગ રોકવા કંટ્રોલ રૂમ શરૂ કરાઈ
વિધાનસભાની ચુંટણીઓની તારીખો જાહેર થયા બાદ ચૂંટણી વિભાગની કામગીરીમાં ગતિશીલતા આવી ગઈ છે. જેને લઈને મતદાન જાગૃતિ રથનું ભ્રમણ શરુ થયું છે. તો ચૂંટણીમાં એસએમએસ તથા સોશિયલ મીડિયાનો દુર ઉપયોગ રોકવા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આર્મીની પણ ફ્લેગ માર્ચ વિવિધ પોલીસ સ્ટેશના વિસ્તારમાં યોજાઈ હતી.
વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ આવે તેવો પ્રયાસ
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 સંદર્ભે અવસર લોકશાહીનો કેમ્પેઇન જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા લોકોમાં વધુમાં વધુ મતદાન અંગે જાગૃતિ આવે તે માટે અવસર રથ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભ્રમણ કરી રહ્યો છે. આ કેમ્પેઇનનો મુખ્ય હેતુ મતદાર રજીસ્ટ્રેશન અને મતદાનનું પ્રમાણ વધારવાનો છે. સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની સક્રિય ભાગીદારીથી ઊંચું મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
લોકોને મતદાન કરવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી
અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની 28-ઇડર વિધાનસભા બેઠકના ભદ્રેસર, જવાનપુરા, ઇડર સીટી, વડાલી સીટી, કંજેલી, ડોભાડા, વાસણ સહિતનાં વિવિધ ગામોમાં આ રથ ભ્રમણ કરી રહ્યો છે. લોકોને મતદાન કરવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. મતદાન જાગૃતિ અંગેના અવસર રથમાં લોકોએ હું વોટ કરીશની સંમતિ દર્શાવતી સહી રથ ઉપર કરી હતી અને ઉત્સાહ પૂર્વક રથના વધામણાં કર્યા હતા. આ અવસર રથ આજે 29-ખેડબ્રહ્મા (અનુસૂચિત જન જાતિ) વિધાનસભા બેઠક ખાતે ભ્રમણ કરશે.
નાગરિકો ટેલીફોનિક ફરિયાદ નોંધાવી શકશે
સાબરકાંઠા જિલ્લામાં બીજા તબક્કે 5મી ડિસેમ્બરે મતદાન થવાનું છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન સ્વતંત્ર, ભયમુક્ત અને નિષ્પક્ષ મતદાન થાય તે હેતું માટે એસએમએસ અને સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગના થાય તે માટેના નોડલ ઓફિસરની નિમણૂક કરાઈ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આચાર સંહિતા ભંગ અંગે માહિતી આપવા જાહેર જનતા માટે જિલ્લા કક્ષાએ ફરિયાદ કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. જેના નોડલ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી. ડોડિયા છે. તેમનો (મો).નં. 9898914212 તથા લેન્ડ લાઇન નં. 02772-241303 પર નાગરિકો ટેલીફોનિક ફરિયાદ નોંધાવી શકે છે.