ગાંધીનગર જિલ્લામાં આજે રંગેચંગે દુંદાળા દેવનું ઠેર-ઠેર સ્થાપન કરાશે
ગાંધીનગર
ભારતીય સંસ્કૃતિના સુસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે. વિક્રમ સંવત ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી મનાવાય છે. આ દિવસે ગણેશજીનો જન્મ થયો હોવાનુ માનવામાં આવે છે. ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં આજે ધામધૂમથી ગણેશજીનુ સ્થાપન કરાશે.
શ્રી ગણેશ ચતુર્થીનુ વ્રત જેને શ્રીગણેશ ચતુર્થી, પત્થર ચોથ અને કલંક ચોથના નામે પણ ઉજવવામાં આવે છે. આ દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે.
તૃતીયા તિથિનો ક્ષય થવાને કારણે દ્વિતીયા યુક્ત ચતુર્થીમા આ વ્રત કરવામાં આવશે. ચતુર્થી તિથિના રોજ શ્રી ગણપતિની ઉત્પત્તિ થઈ હતી. ગણેશ ચતુર્થીને સંસ્કૃત, તમીલ, તેલુગુ અને કન્નડમા વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગણેશ ચતુર્થીમાં સેક્ટર 22 સાર્વજનિક ગણેશ મહોત્સવ સતત 49માં વર્ષે દુંદાળા દેવનુ સ્થાપન કરશે. ત્યારે સેક્ટર 4માંથી સેક્ટર 22 રંગમંચ સુધી ડીજેના તાલે શોભાયાત્રા લઇને દાદાનુ સ્થાપન કરાશે. જ્યારે શહેરના સેક્ટર 5, સેક્ટર 3ડી, સેક્ટર 3ન્યુ, સેક્ટર 24, સેક્ટર 16 સોમનાથ મહાદેવ સહિત માણસા, કલોલ અને દહેગામાં વિઘ્નહર્તાનુ સ્થાપન કરવામાં આવશે.
તમામ પંડાલમાં રાત્રિ દરમિયાન ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવશે. રાસ ગરબા, ડાયરો અને સત્સંગની સરવાણી વહેતી કરવામાં આવશે. દસ દિવસ સુધી દાદની પૂજા અર્ચના કરવામાં આવશે. જ્યારે સાર્વજનિક મહોત્સવમાં બાળકો માટે અલગ અલગ કોમ્પિટીશન કરવામાં આવશે.