આવતીકાલથી અલુવામાં ઐતિહાસિક ‘લક્ષચંડી મહાયજ્ઞ’નો પ્રારંભ
આ‘લક્ષચંડી મહાયજ્ઞ’માં કેન્દ્વીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ,મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્વભાઇ પટેલ,ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી,જેવા મહાનુભવો માં વિસતના આશીર્વાદ લેશે.
આગામી ૩ દિવસ ભવ્ય યજ્ઞશાળામાં યોજાશે ‘લક્ષચંડી મહાયજ્ઞ’
ગાંધીનગર જીલ્લાના અલુવા ગામમાં સૌપ્રથમ વાર માં વિસતમાના આંગણે લક્ષચંડી મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે. જે આવતીકાલથી એટલે ગુરુવારથી શરૂ થઈ શનિવાર સુધી ચાલશે.
ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ લક્ષચંડી મહાયજ્ઞના મહોત્સવમાં ઉત્સાહ પૂર્વક જોડાઈ રહ્યા છે, વિદેશથી પણ ખાસ શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચી રહ્યા છે.સ્વયંસેવકો સહિત લાખો ભક્તો અલુવામાં પહોંચી રહ્યા છે. મંદિરમાં ભક્તો માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં કાર્યક્રમ પહેલાની તૈયારીઓમાં લોકો જોડાઈ રહ્યા છે. માના ભક્તોને કોઈ અડચણ ના પડે તે માટેની ખાસ તૈયારીઓ પણ મંદિરમાં કરવામાં આવી રહી છે.
અલુવા વિસત માતાજીના સાંનિધ્યમાં૨૪ થી ૨૬ ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી મહા મહોત્સવ યોજાવવાનો છે અને આ મહોત્સવમાં રાજ્ય સહિત સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો મા વિસતના દર્શનાર્થે ઉમટશે ત્યારે આ દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરાઈ છે
વિસતમાતા લક્ષચંડી મહાયજ્ઞા મહોત્સવ ઉજવવા સમગ્ર અલુવા સહિત પંથકવાસીઓ થનગની રહ્યા છે ત્યારે દૂર દૂરથી દર્શનાર્થે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડવાની ધારણા સેવાઈ રહી છે અને લાખોની સંખ્યામાં અહીં લોકો આવવાના છે
જેમાં ૧૦૦ જેટલા ભોજન સમિતિના સભ્યો સાથે ૩૦૦ સ્વયંસેવકો ભોજનની વ્યવસ્થા સંભાળશે. આ પ્રસંગમાં અંદાજીત ૨ લાખ જેટલા દર્શનાર્થીઓ ઉમટી પડવાની ધારણા છે જેમાં લાડુ સહિતની વિવિધ વાનગીઓ પ્રસાદ રુપે તૈયાર કરવામાં આવી રહી છે. સ્વયંસેવકોની સાથે સ્થાનિક વહીવટી તંત્ર પણ સજ્જ બની ગયું છે. લક્ષચંડી મહાયજ્ઞના ૩ દિવસના મહોત્સવ દરમિયાન વીજળી, પાણી, સુરક્ષા, સ્વાસ્થ્ય વગેરેને ધ્યાનમાં રાખીને પણ ખાસ પગલા ભરવામાં આવ્યા છે.