દહેગામમાં મહિલાઓએ પાણી અને સફાઈ મુદ્દે પાલિકામાં માટલાં ફોડ્યા
દહેગામ શહેરની મધુવન સોસાયટીની મહિલાઓ પાણી, સફાઈ અને લાઈટના પ્રશ્નો અંગેનું નિરાકરણ નહીં આવવાથી રણચંડી બની દહેગામ નગરપાલિકા કચેરી ખાતે આવી પહોંચી હતી. જ્યાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચાર કરી માટલાં ફોડ્યાં હતાં. મધુવન સોસાયટી ખાતે છેલ્લા ઘણા સમયથી પાણી, સફાઈ અને લાઈટના પ્રશ્ન છે.
જે અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની કામ કરવામાં નહીં આવતા રહીશોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સોસાયટીની મહિલાઓ શુક્રવારે નગરપાલિકામાં આવીને માટલાં ફોડ્યાં હતાં અને ઘણા સમયથી નગરપાલિકામાં અરજીઓ આપવા છતાં નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને જવાબદારો કોઈપણ વાતને ધ્યાનમાં નહીં લેતા ભાજપ સરકારના વિરુદ્ધ સૂત્રો ચાલુ કર્યા હતા. મધુવન સોસાયટીના રહીશોની રજૂઆત અંગે ચીફ ઓફિસરનો મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કરતા તેમણે ફોન રિસીવ કર્યો ન હતો. ચૂંટણી ટાણે વડાપ્રધાન અને મુખ્યમંત્રી વિરુદ્ધ નારે બાજી કરી પાણી જેવા સામાન્ય બાબતે પાલિકા કચેરી ખાતે માટલાં ફોડવા મજબૂર થવું પડ્યું હોવાની વાત વાયુવેગે પ્રસરતા ચર્ચાનો વિષય બન્યો હતો.