કેન્સરથી મૃત્યુમાં ગુજરાત નવમાં સ્થાને, એક વર્ષમાં જ ૪૦ હજારથી વધુના મૃત્યુ
મેડિકલ સાયન્સ સતત હરણફાળ ભરી રહ્યું હોવા છતાં કેન્સરના વધતા જતા કેસ અને તેની ઘાતકતા હજુ પણ ચિંતાનો વિષય રહ્યા છે. ગુજરાતમાં આ વર્ષે જ કેન્સરના ૭૩૩૮૨ કેસ નોંધાયા છે જ્યારે ૪૦૩૫૬ વ્યક્તિના કેન્સરથી મૃત્યુ થયા છે. આમ, પ્રતિ મહિને કેન્સરના સરેરાશ ૬૬૭૧ કેસ નોંધાય છે અને ૩૬૬૭ વ્યક્તિ કેન્સર સામે જીવ ગુમાવે છે.
આ વર્ષે કેન્સરથી સૌથી વધુ મૃત્યુ નોંધાયા હોય તેવા રાજ્યમાં ગુજરાત નવમું સ્થાન ધરાવે છે. લોકસભાના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર આ વર્ષે અત્યારસુધી ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ ૧.૧૬ લાખ, મહારાષ્ટ્રમાંથી ૬૬૮૭૯, પશ્ચિમ બંગાળમાંથી ૬૨૬૫૨, બિહારમાંથી ૬૦૬૨૯ વ્યક્તિએ કેન્સર સામે જીવ ગુમાવ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ૨૦૨૦માં ૩૮૩૦૬, ૨૦૨૧માં ૩૯૩૨૮ વ્યક્તિના કેન્સરથી મૃત્યુ થયા હતા. આમ, છેલ્લા ૩ વર્ષમાં જ ૧,૧૭,૯૯૦ વ્યક્તિ કેન્સર સામે જીવ ગુમાવી ચૂક્યા છે. કેન્સરથી સૌથી ઓછા ૧૪ મૃત્યુ લક્ષદ્વિપમાં, ૭૭ મૃત્યુ દમણમાં થયા છે.
છેલ્લા બે વર્ષની સરખામણીએ કેન્સરથી મૃત્યુ જ નહીં કેન્સરના કેસના પ્રમાણમાં પણ ચિંતાજનક વધારો થયો છે. ગુજરાતમાં આ વર્ષે કેન્સરના ૭૩૩૮૨ કેસ નોંધાયા છે. ૨૦૨૦માં કેન્સરના ૬૯૬૬૦ જ્યારે ૨૦૨૧માં ૭૦૫૦૭ કેન્સરના કેસ નોંધાયા હતા. આમ, છેલ્લા ત્રણ વર્ષમાં કેન્સરના કુલ ૨,૧૩,૫૪૯ કેસ નોંધાઇ ચૂક્યા છે. આ વર્ષે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૨.૧૦ લાખ, મહારાષ્ટ્રમાંથી ૧.૨૧ લાખ, પશ્ચિમ બંગાળમાંથી ૧.૧૩ લાખ સાથે સૌથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. આ વર્ષે કેન્સરના સૌથી ઓછા ૨૮ કેસ લક્ષદ્વિપમાંથી નોંધાયા છે.
ડોક્ટરોના મતે તમાકુ-સિગારેટના સેવનથી કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત અનાજમાં પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ પણ કેન્સરના કેસ વધવા પાછળનું એક મહત્વનું કારણ છે.