દિલ્હી કરતા પણ મુંબઈમાં ખતરનાક બન્યું વાયુ પ્રદુષણઃ મલાડ સૌથી વધુ પ્રદુષિત
પ્રદુષણ મામલે અત્યાર સુધી દિલ્હી ચર્ચામાં હતું. હવે મુંબઈ આ મામલે સમાચારમાં આવ્યું છે. મુંબઈમાં દિલ્હી કરતા પણ વધુ ઝેરી વાયુ પ્રદુષણ હોવાનું બહાર આવ્યું છે. મુંબઈમાં સૌથી વધુ મલાડમાં ઝેરી હવા હોવાનું બહાર આવ્યું છે. સપ્તાહની શરૂઆતમાં બહાર આવેલા આંકડો ડરામણા છે. જા કે ગત સપ્તાહની તુલનામાં મુંબઈમાં બહેતર એકયુઆઈ લેવલ નોંધાયું હતું.સોમવારે મુંબઈનું ઓવરઓલ એકયુઆઈ લેવલ ૨૨૫ નોંધાયું હતું.
દિલ્હીની તુલનામાં જાવામાં આવે તો તે ઘણું ખરાબ કહેવાય. સોમવારે દિલ્હીને સમગ્ર એકયુઆઈ લેવલ ૧૫૨ હતું.આ આંકડા એસએએફએઆરના છે, જેણે મુંબઈનું એકયુઆઈ લેવલ દિલ્હીથી બદતર દેખાડ્યું છે. બીજી બાજુ કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના આંકડા પર નજર નાખીએ તો સોમવારે સાંજે ૪ વાગ્યે મુંબઈનું એકયુઆઈ લેવલ ૧૬૮ (મધ્યમ) અને દિલ્હીનું એકયુઆઈ લેવલ ૨૧૮ (ખરાબ) નોંધાયું હતું.
મુંબઈમાં મેઈન સિટી સિવાય શહેરની અન્ય જગ્યાઓ પર નજર નાખવામાં આવે તો તે વધુ ખરાબ શ્રેણીમાં છે. મલાડમાં હવાની ગુણવતા ૩૧૧ એકયુઆઈ લેવલ હતી. જે સૌથી ખરાબ છે. આ સિવાય મઝગાંવ અને ચેમ્બરમાં ૩૦૩, અંધેરીમાં ૩૦૦, બાંદ્રા કુર્લા કોમ્પ્લેકસમાં હવાની ગુણવતા, ૨૬૯ ખરાબ શ્રેણીમાં હતી, જયારે મધ્યમ શ્રેણીમાં કોલાબા (૧૭૩), ભાંડુપ (૧૨૫), બોરીવલી (૧૧૧) અને વર્લી (૧૦૧)નો સમાવેશ થાય છે.
મુંબઈમાં પ્રદુષણ ઘટાડવું એક પડકાર છે. જી-૨૦ શેરપા અમિતાભ કાંતે જણાવ્યું હતું કે મુંબઈમાં પ્રદુષણ ઘટાડવા લાંબાગાળાના ઉપાયોની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર સંચાલીત બે રિફાઈનરીએ આગામી ૨-૩ મહિનામાં તરલ સલ્ફર અને અન્ય સલ્ફર સામગ્રીનું ઉત્સર્જન ઓછુ કરવા માટે પ્રતિબદ્ધતા બતાવી છે.