સ્માર્ટ રોડ, અંડરપાસ અને ફોરલેન રોડનું કામ અટક્યું, 784 વૃક્ષો કાપવાની મંજૂરી બાકી
બીજી તરફ શહેરના સેક્ટર 1 થી 30 સુધીના એપ્રોચ રોડને ફોર લેન કરવાની કામગીરી પણ બંધ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન તંત્ર દ્વારા આ માટે 6 થી 7 જેટલી અલગ-અલગ ફાઇલો વન વિભાગમાં રાખવામાં આવી છે. જેની મંજૂરી ઘણા સમયથી પેન્ડીંગ છે. જેના કારણે આ ત્રણ કામોને અસર થઈ છે.ગાંધીનગર કોર્પોરેશન હેઠળ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ કામો ચાલી રહ્યા છે. ત્યારે શહેરના ત્રણ પ્રોજેક્ટમાં 784 વૃક્ષો કાપવાની પરવાનગી બાકી હોવાથી કામગીરીને અસર થઈ છે. જેમાં ત્રણ સ્માર્ટ રોડનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જ્યારે સેક્ટર-21-22 અને સેક્ટર-22-23 અંડરપાસનું કામ બંધ છે.
સ્માર્ટ રોડ પર વૃક્ષો કાપ્યા વિના તંત્ર કામ કરી રહ્યું છે. જેના કારણે હાલમાં રસ્તા વચ્ચે આટલા વૃક્ષો આવી ગયા છે. જે ગમે ત્યારે અકસ્માતનું કારણ બની શકે છે. વન વિભાગમાં પડતર મંજૂરીઓ અંગે ચર્ચા કરવા આજે કોર્પોરેશનમાં બેઠક યોજાય તેવી શક્યતા છે.
જેમાં વિકાસના કામોમાં અડચણ ઉભી કરતી પેન્ડીંગ મંજુરીઓને ઝડપી બનાવી શકાય તે રીતે રજૂઆત કરી શકાય. કોર્પોરેશને નિયમ મુજબ ફાઈલ વન વિભાગને મોકલી આપી છે. સ્થાનિક ફોરેસ્ટ ઓફિસ દ્વારા નિયમોનુસાર ફાઈલો વડી કચેરીને મોકલી આપવામાં આવી છે, જો કે લાંબા સમયથી વૃક્ષો કાપવા અને વન વિભાગની માલિકીની જમીનનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી નથી.
સેક્ટર-21 અને સેક્ટર-22 વચ્ચે બે અંડરપાસ અને એપ્રોચ રોડ અને સેક્ટર-22 અને સેક્ટર-23 વચ્ચે બે અંડરપાસ બનાવવામાં આવશે. સેક્ટર-21માં ગોવર્ધનજી કી હવેલી પાસે તંત્ર દ્વારા અંડરપાસનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, વૃક્ષો કાપવાની પરવાનગી સિવાય સંરક્ષિત જંગલની જમીનના ઉપયોગ માટે મંજૂરી મળી નથી.