ગુજરાતમાં અડધો ડિસેમ્બર વીતી ગયો , પણ હજુ શિયાળો જામ્યો નથી
ગુજરાતમાં સામાન્ય રીતે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહના અંત સુધીમાં શિયાળો શરૂ થાય છે. પરંતુ આ વખતે ડિસેમ્બરના બે સપ્તાહ બાદ પણ શિયાળો બિલકુલ આવ્યો નથી તેવું લાગી રહ્યું છે. વેસ્ટર્ન ડર્ટબર્નને કારણે શિયાળો વિલંબિત થઈ રહ્યો હોવાનું હવામાન નિષ્ણાતોનું માનવું છે.
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારો પ્રભાવિત થયા હતા. જો કે હવે આગામી બે દિવસથી તેની અસર ઓછી થવા લાગશે. આગામી 2-3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે અને શીત લહેર વધવાની શક્યતા છે. હાલમાં વાદળછાયા વાતાવરણ અને મિશ્ર વાતાવરણને કારણે શરદી-ખાંસીના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બરના બે સપ્તાહ બાદ પણ ઠંડી ન હોવાના કારણે ખેડૂતોને જીરૂ-ઘઉંનો પાક બગડવાનો ભય સતાવી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૃચમાં હળવો વરસાદ પડી શકે છે. જોકે, આ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં જ ઠંડી વધવા લાગશે. આગામી 48 કલાક બાદ રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે. અમદાવાદમાં ગઈકાલે રાત્રે સરેરાશ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અને દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આગામી બુધવારથી ઠંડીમાં વધારો થઈ શકે છે. 25 ડિસેમ્બર બાદ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે.
ગઈકાલે રાત્રે સૌથી નીચું તાપમાન નલિયામાં 14.4 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં અન્યત્ર સરેરાશ લઘુત્તમ તાપમાન ડીસામાં 14.5, ભુજમાં 16.6, ગાંધીનગરમાં 17.9, રાજકોટમાં 21, અમરેલી-જૂનાગઢમાં 21.8, વડોદરા-સુરતમાં 22.6, ભાવનગરમાં 22.9 નોંધાયું હતું.