અરવલ્લીઃ બાયડ તાલુકામાં રવિ પાકની સિઝનમાં યુરિયા ખાતર માટે દર દર ભટકતા ખેડૂતો
અરવલ્લી જિલ્લાના તાલુકામાં રવિ પાકની સિઝનમાં પાકમાં યુરિયા આપવાનું ખરો સમય થયો છે ત્યારે તાલુકામાં યુરીયા ખાતર મળતું ન હોવાથી ખેડૂતોને ક્યાંક લાંબી લાઈનો ઊભા રહેવું પડે છે તો ક્યાંક લાઈનમાં નંબર આવ્યો હોય ત્યારે ખાતર ખલાસની બૂમો પડતા માથે હાથ દઈને આખા દિવસના રઝળપાટ પછી પાછા ઘરે ખાલી હાથે પરત આવવું પડે છે
બાયડ તાલુકામાં યુરીયા ખાતરની અછત સર્જાતાં ખેડૂતો ખાતરની દુકાન આગળ વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહી જાય છે તેમ છતાં યુરિયા ખાતર મળતું ન હોવાનો ખેડૂતો બળાપો વ્યક્ત કરી રહ્યા છે.
ઘઉં, દિવેલા, રાયડો સહિતના પાકોમાં હાલ યુરિયા ખાતરની જરૂરિયાત હોઈ ખાતર મળતું ના હોય ખેડૂતોને ખેતીનું કામ પડતું મૂકી યુરીયા ખાતર મેળવવા માટે આમતેમ ભટકવું પડે છે
આ બાબતે દુકાનદારો સાથે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, યુરિયા ખાતરનો પૂરતો સ્ટોક આવતો ન હોય અછત સર્જાઈ છે પરંતુ ક્યાંક ક્યાંક લોક ચર્ચા મુજબ યુરીયા ખાતરનું કાળા બજાર થતુ હોવાની પણ ખેડૂતોમાં કાના ફુસી થઈ રહી છે.