વડાલીમાં બે અને ઇડરમાં એક ATMને ગેસ કટરી કાપી રોકડની તસ્કરી; CCTV કેમેરા પર સ્પ્રે માર્યો
સાબરકાંઠા જીલ્લામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. એક બાદ એક ચોરીને અંજામ આપી રહ્યાં છે. ત્યારે રાત્રિના તસ્કરોએ વધુ એક ચોરીમે અંજામ આપ્યો છે. જેમાં વડાલીમાં બે અને ઇડરમાં એક એમ ત્રણ એટીએમને નિશાન બનાવી કટરથી તોડી રોકડ લઈ ફરાર થઈ ગયા હતા. ATMની બહાર લાગેલા CCTVમાં સ્પ્રે મારી સમગ્ર ઘટનાને અંજામ આપેલ છે. પોલીસને જાણ થતા અજાણ્યા શખ્સો વિરિદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગેસ કટરથી ATM મશીન કાપી નાખ્યું
સાબરકાઠા જીલ્લામાં સતત બે દિવસથી તસ્કરો ત્રાટકી રહ્યાં છે. વડાલીમાં બે અને ઇડરમાં એક એમ ત્રણ એટીએમને નિશાન બનાવ્યા હતા. વડાલીમાં આવેલ એસબીઆઈ બેંકના એટીએમને રાત્રિ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પહેલા સીસીટીવી કેમેરા પર સ્પ્રે માર્યો ત્યારબાદ લાવેલ વાહન થકી પાવર આપી ગેસ કટરથી એટીએમ મશીન કાપી નાખ્યું હતું. બે શખ્સો એટીએમ સેન્ટરની અંદર શટર બંધ કરી એટીએમ કાપ્યું અને બહાર ત્રણ શખ્સોએ રખેવાળી કરી હતી. તો તસ્કરોએ સાત મિનીટમાં ચોરી કરી હોવાનું જણાવા મળી રહ્યું છે.
અંદાજીત ત્રણ લાખથી વધુ રકમની ચોરી
આ અંગે વડાલી પીએસઆઈ નારાયણસિંહ ઉમટે જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન વડાલી નગરમાં એસબીઆઈ બેંકનું અને ડોભાડા ચાર રસ્તે હિટાચી કંપનીનું એમ બે ATMમાં ચોરી અંગેની જાણ થઇ છે. જેને લઈને તપાસ હાથ ધરી છે. તો એસબીઆઈ બેન્કના ATMમાં અંદાજીત ત્રણ લાખથી વધુ રકમની ચોરી થઇ હોવાનું પ્રાથમિક જણાઈ રહેલ છે.
ATMની બહાર લાગેલા કેમેરા પર સ્પ્રે માર્યો
ઇડરમાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ હનુમાનજી મંદિર સામે આવેલ IDFC FIRST બેંકની બાજુમાં ATMમાં ચોરી થઇ હતી. જેની જાણ પોલીસને થઇ હતી. ATMમાં બહારના કેમેરા પર સ્પ્રે માર્યો છે, ત્યારબાદ ATM તોડી ચોરી કરી છે. તો આ અંગે ઇડર પીઆઈ પી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, IDFC FIRST બેન્કના ATMમાં ચોરી થયાનું જણાયું છે. અંદાજીત એક લાખ રૂપિયાની ચોરી થયાનું પ્રાથમિક જણાયું છે. આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.