કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા માટે બે ધારાસભ્યોના નામ દિલ્હી મોકલ્યા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસે વિરોધ પક્ષના નેતા માટે બે ધારાસભ્યોના નામ હાઈકમાન્ડને મોકલી આપ્યા છે. જેમાં બીજાપુરના ધારાસભ્ય સી.જે.યાદવ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના નામ મોકલવામાં આવ્યા છે. કોંગ્રેસના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે આ બેમાંથી એક ધારાસભ્ય વિપક્ષના નેતા બની શકે છે. બીજી તરફ પક્ષના વરિષ્ઠ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિરોધ પક્ષના નેતા બનવાનો ઈન્કાર કરી દીધો છે અને તેમના સ્થાને કોઈ નવા ચહેરાને લાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને જંગી બહુમતી મળી છે. જ્યારે કોંગ્રેસ આ વખતે ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાને લઈને અસમંજસ પ્રવર્તી રહી છે. 8 ડિસેમ્બરે પરિણામો જાહેર થયા હતા અને 11 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીએ શપથ લીધા હતા. આ ઉપરાંત 19 ડિસેમ્બરે ધારાસભ્યોએ પણ શપથ લીધા હતા. પરંતુ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે કોણ બેસશે તે હજુ નક્કી નથી. કોંગ્રેસે વિપક્ષના નેતા બનવા માટે દિલ્હી હાઈકમાન્ડને બે નામ મોકલ્યા છે. પરંતુ હજુ સુધી હાઈકમાન્ડે કોઈ પણ પ્રકારનો જવાબ મોકલ્યો નથી. ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બનવા માટે 10 ટકા બેઠકો જીતવી જરૂરી છે. તેથી કોઈપણ પક્ષ માટે 19 બેઠકો મેળવવી જરૂરી છે. ત્યારે કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી.કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડતા ભાજપને 156 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસનું આ 1990 પછીનું સૌથી ખરાબ પ્રદર્શન માનવામાં આવે છે. 1990માં કોંગ્રેસને 33 બેઠકો મળી હતી. જ્યારે આ વખતે માંડ 17 બેઠકો જીતી શકી છે.