વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ પરીક્ષા પે ચર્ચાની વર્ષ ૨૦૨૩ની આવૃત્તિમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે વાર્તાલાપ કરશે.કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગેની માહિતી આપી હતી.
પરિક્ષા પે ચર્ચામાં પીએમ મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરશે અને પરીક્ષાના તણાવને પહોંચી વળવા માટે માર્ગદર્શન આપશે. વાતચીત દરમિયાન, વડાપ્રધાન તણાવ અને પરીક્ષાના ડરને હરાવવા અને પરીક્ષાને તહેવારની જેમ ઉજવવા માટેની ટીપ્સ જણાવશે. શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓને પરિક્ષા પે ચર્ચામાં ભાગ લેવા અને ડરને દૂર કરવા અને પરીક્ષાઓને તહેવારની જેમ ઉજવવા માટેનું આહ્વાન કર્યું હતું! પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની શરૂઆત વર્ષ ૨૦૧૮માં કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮માં પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરી હતી. ત્યારથી પીએમ મોદી દર વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ કરે છે. આ દરમિયાન પીએમ મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરે છે.
અગાઉ વર્ષ ૨૦૨૨માં ૧ એપ્રિલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વર્ષ ૨૦૨૨માં આયોજિત પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ૧૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.