વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં જ કોલ્ડવેવ શરૂ થશે, 13 જાન્યુઆરીથી કડકડતી ઠંડી પડશે.
દર વર્ષે ઉત્તરાયણના દિવસે પવનની ઝડપ સવારે સારી હોય છે અને બપોરે ઘટી જાય છે. જેથી પતંગ પ્રેમીઓની મજા બગડી જાય છે. પરંતુ પતંગપ્રેમીઓને આ વખતે ઉત્તરાયણમાં મજા પડશે. પતંગ પ્રેમીઓ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. આ વખતે ઉત્તરાયણના દિવસે સારા પવનની શક્યતા છે. હાલ રાજ્યમાં કડકડતી ઠંડીનો પ્રકોપ જારી રહ્યો છે. આગામી ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. ઉત્તરાયણના દિવસે પવનની ઝડપ 10 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે કેટલીક જગ્યાએ 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો ઓછો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડી ઓછી રહી હતી. પરંતુ હવે આગામી 13 જાન્યુઆરીથી ફરી કડકડતી ઠંડી શરૂ થશે. અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 10 થી 11 ડિગ્રી રહેવાની સંભાવના છે. આજે અને આવતીકાલે તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. આગામી પાંચ દિવસ પણ વરસાદની કોઈ શક્યતા નથી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસમાં અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 10 થી 11 ડિગ્રી રહેવાની સંભાવના છે. બીજી તરફ નલિયામાં પણ શીતળાની અસરની આગાહી કરવામાં આવી છે. અમદાવાદનું સરેરાશ લઘુત્તમ તાપમાન ગઈકાલે રાત્રે 3 ડિગ્રી વધીને 15.3 ડિગ્રીએ પહોંચ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12મી સુધી અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેશે. જો કે 13 થી 15 જાન્યુઆરી દરમિયાન કડકડતી ઠંડી પડવાની સંભાવના છે.