દાડમ,જીરું,રાયડો, એરંડા,બટાટા જેવા પાકો ઉપર બરફની ચાદર છવાઈ
લાખણી:- ઉત્તર ભારતમાં હીમ વર્ષાના પગલે બનાસકાંઠા જિલ્લામાં શીત લહેર છવાઈ છે. તેથી વાતાવરણ ઠંડુગાર બની જતા જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. તેમાં પણ લાખણી તાલુકાના અનેક ગામોમાં મકરસંક્રાંતિની રાતે હીમ પ્રપાત થતા ઉભા પાકો સહિત વાહનો ઉપર બરફ જામ્યો હતો.તેથી ખેતી પાકોને વ્યાપક નુકશાન સાથે હાડ ધ્રુજવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું હતું.
દાડમના પાકને લઈ વિખ્યાત લાખણી પંથકમાં પણ હવામાન વિભાગની અગાહીના પગલે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તેમાં પણ એક પટ્ટાના ગામડાંઓ જેવા કે કુડા, કોટડા, મોરાલ અને થરાદ તાલુકાના રાહ, દેલનકોટ, દુધવા વગેરે ગામોમાં મકરસંક્રાંતિની રાતે હીમ પ્રપાત થયો હતો. જેના કારણે શિયાળુ રવિ પાકોમાં દાડમ સાથે બટાટા, રાયડો ,એરંડા અને જીરું જેવા ઉભા પાકોમાં બરફની ચાદર છવાઈ જતા વ્યાપક નુકશાન થયું છે. બહાર પાર્ક કરેલા વાહનો ઉપર પણ બરફ જામતા શીત પ્રકોપથી લોકો રીતસર ડઘાઈ ગયા હતા. પાકવાના આરે ઉભેલા પાકોને નુકશાનથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.
–>ઉભા પાકો બળી ગયા….
લાખણી તાલુકો દાડમની ખેતીનું હબ ગણાય છે પરંતુ છેલ્લા ચારેક વર્ષથી દાડમના પાકમાં વિવિધ રોગના આક્રમણ વચ્ચે ભાવો પણ ન મળતા ખેડૂતો અન્ય રોકડીયા પાકો તરફ વળ્યા છે.આ વખતે શરૂઆતમાં ઓછી ઠંડીના કારણે પાકો ઉપર વિપરીત અસર પડી હતી પરંતુ હાલમાં કાતિલ ઠંડી સાથે હીમ પ્રપાત થતા પાકો બળી ગયા છે. તેથી ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાયો છે. તેમ ગેળાના ખેડૂત હરજીજી રાજપુતે જણાવ્યું હતું.