રાષ્ટ્રીય

પોશીનાની ટૂર દરમિયાન કાંડાનું ફ્રેક્ચર થયેલ વિદેશી મહિલાને ઇડરમાં ઉત્તમ મેડીકલ ફેસીલીટીનો અનુભવ થયો

ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવની ભાવના સાથે વણાયેલી છે. મહેમાનને ભગવાનનું સ્વરૂપ માનનાર આપણા દેશના રીત રીવાજો નોખા અને સંસ્કૃતિ નીરાલી છે.આવી આતિથ્ય ભાવનાને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યુ છે ઇડરની ભાવના ઓર્થોપેડિક્સ હોસ્પિટલે, જેને વિદેશી મહિલાની સેવા,સારવાર અને આતિથ્ય ભાવને સાકાર કરી દેશની સંસ્કૃતિનો પરિચય કરાવ્યો છે.

આ વાત છે સાબરકાંઠા જિલ્લાની ઇડર શહેરની ભાવના ઓર્થોપેડિક્સ હોસ્પિટલની જ્યાં યુ.એસ.એ.ના બોસ્ટન શહેરની ૮૦ વર્ષીય એનસ્ટેસી કોલને હાથના કાંડાની સારવાર કરવામાં આવી.
વિદેશી મહિલા એનસ્ટેસી કોલ અને બીજા ૨૦ થી ૨૫ વિદેશી લોકો ૧૫ દિવસીય ભારતની ટુર કરવા માટે આવેલા હતા. ગુજરાતની ટૂરના ભાગરૂપે તેઓ અમદાવાદ થી હડાદ પોશીના આવી પહોચ્યાં હતા. ત્યાં કાંડાનું ફ્રેક્ચર થતાં ટુર મેનેજર અને દરબાર ગઢના મેનેજર મૃગવેન્દ્રસિંહ વાઘેલા વિદેશી મહિલા એનસ્ટેસી કોલને ઇડર ખાટેની ભાવના ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા.

આ હોસ્પિટલ ખાતે એનસ્ટેસી કોલને તાત્કાલિક યોગ્ય સારવારમાં પ્લેટિંગ કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ દ્વારા વિદેશી અતિથિ મહિલા દર્દીને સવિશેષ સારવાર આપવામાં આવી હતી.જેમાં હોસ્પિટલ દ્વારા જમવાની વ્યવસ્થા,૨૪ કલાક સેવામાં સ્ટાફ અને તેમણે પોતાના ટુર સાથે જોડાવા માટે સ્પેશિયલ કારની વ્યવસ્થા કરાઈ હતી.

એનસ્ટેસી કોલ સાથે વાતચીત કરતા તેઓ જણાવે છે કે અમે ભારતની ટુર કરવા માટે આવ્યા છીએ. ભારતની ત્રીજી વખતની મુલાકાત માટે અમે ગુજરાતમાં ફરવા આવ્યા છીએ. મને ગુજરાત બહુ જ પસંદ આવ્યું. અહીંના લોકો મને ખુબ દયાળુ લાગ્યા. ભારતીય સંસ્કુતિથી હું બહુ જ પ્રભાવિત છું. ગુજરાત મને એટલું ગમ્યું છે કે મને મારાં દેશ પરત જવાનુ મન થતુ નથી. ગુજરાતમાં વારંવાર આવવાનું મન થાય તેવો અનુભવ છે.અહિં મને પહાડોની સુંદરતાની સાથે માનવ સંસ્કૃતિના પણ દર્શન થયા છે. પોશીનાના પહાડો જાણે મારે બોસ્ટનની ફિલીંગ કરાવતા હોય એવો અહેસાસ થાય છે. જે મને જીવનભર યાદ રહેશે. મને હોસ્પિટલ દ્વારા સારી સુવિધાઓ મળી છે.અંતરિયાળ વિસ્તારમાં સ્વચ્છ, સારી સુવિધા યુક્ત હોસ્પિટલ હોવી તે જે તે દેશ માટે ખુબ મહત્વની વાત છે.

ભાવના ઓર્થોપેડીક હોસ્પિટલના ડૉ. દેવમ શાહ જણાવે છે કે વિદેશી મહિલા એનસ્ટેસી કોલનો કેસ અમારી હોસ્પિટલમાં આવ્યો. અમુક વખતે એવુ બને કે સ્થાનિક લેવલે ભાષાકીય અવરોધનો સામનો કરવો પડે. પરંતુ અમે એનસ્ટેસી કોલને કોઈ પણ પ્રકારની ચિંતાથી મુક્ત રહેવા જણાવ્યું અને પરિવારના સદસ્યની જેમ તેમની સંભાળ રાખી.તેઓએ અમારી સારવારથી સંતોષ વ્યક્ત કર્યો છે.વધુમાં એનસ્ટેસી કોલે કહ્યું કે બોસ્ટન કરતા પણ મને અહિં સારી મેડીકલ ફેસીલીટી મળી છે. ભવિષ્યમાં જો બીમાર પડું તો હું અહીં સારવાર લેવાનું પસંદ કરીશ. જે અમારી હોસ્પિટલ તેમજ ગુજરાત અને ભારત માટે ખુબ ગર્વની વાત છે. એક વિદેશી મહિલા આપણા દેશની સારી છબી લઇને જઈ રહ્યા છે. જે વાતનો હોસ્પિટલ પરીવારને ઘણો આનંદ છે.
***********************

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *