પોઝિટિવ અભિગમ સાથે કામ કરો સાબરકાંઠા જિલ્લો રાજ્યમાં અગ્રેસર રહે સરકાર ગ્રાન્ટ આપે તે છેવાડાના ગામ સુધી પહોંચે તેનું ધ્યાન રાખો
સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર-ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રીશ્રીએ જિલ્લાની પ્રથમ બેઠક જિલ્લા કલેકટર કચેરી પોળો હોલ ખાતે ચૂંટાયેલા જન પ્રતિનિધિ અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
પ્રથમ બેઠકને સંબોધતા આનંદની લાગણી સાથે અધિકારીઓનો પરિચય અને વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની જિલ્લા વહીવટી તંત્રના વડા જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું અને જિલ્લામાં થયેલ કામગીરી અંગેનો ચિતાર રજૂ કર્યો હતો અને મંત્રીશ્રીને પુષ્પગુચ્છથી આવકારવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત જણાવ્યું હતું કે, પોઝિટિવ અભિગમ સાથે કામ કરો ટીમ સાબરકાંઠા સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહે અને સરકાર દ્વારા સંબંધિત વિભાગ ને ફાળવવામાં આવતી ગ્રાન્ટ અને સરકારની પ્રજા કલ્યાણની યોજનાઓ છેવાડાના ગામ સુધી પહોંચે તેનું સૌ અધિકારીઓ ધ્યાન રાખે. આજે અહીં પદાધિકારીઓ અને અધિકારીની હાજરી છે ત્યારે જન પ્રતિનિધિ દ્વારા રજૂઆત કરે તેને ધ્યાનથી સાંભળી પ્રશ્ન ઉકેલ માટે ઠોસ પ્રયાસ કરવા જણાવ્યું હતું.
અહીં ત્રણે જનપ્રતિનિધિઓ ભૂતપૂર્વ મંત્રી રહી ચૂક્યા છે વિશાળ અનુભવ ધરાવે છે. ખોટું હશે તો સ્વીકારશે નહીં પણ તેમના અનુભવનો લાભ જનતાને મળે તેવા પ્રયાસો કરવા જોઈએ. સૂચન હશે તો પોઝિટિવ લઈને આગળ વધવા જણાવ્યું હતું. સરકાર દ્વારા ફાળવેલ રૂપિયા સો ટકા વપરાય અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ફિલ્ડમાંથી આવતા હોય છે તેને ખરી હકીકત ખબર હોય છે એમ નીતિવિષયક પ્રશ્નો હશે તો સરકારને રજૂઆત કરીને પ્રશ્નોના નિકાલ લાવીશું. વધુને વધુ આપણા જિલ્લાના ફાયદો થાય તેવા સહિયારા પ્રયાસો હશે તો કેન્દ્ર અને રાજ્ય સરકારમાં પણ સુધારો કરવા જેવો જણાશે તો ધ્યાન દોરીશું. કોઈપણ પ્રશ્નો વાતને પકડી રાખીશું તો તેનો ઉકેલ નહીં આવે
મંત્રીશ્રીએ જે અધિકારી ગેરહાજર રહ્યા છે તેમના પ્રતિનિધિઓ આવ્યા છે તે યોજના અને પ્રશ્નો વિશે પૂરેપૂરું માહિતગાર હોવા જોઈએ. બેઠકમાં ઉકેલ લાવવા માટે સક્ષમ હોવા જરૂરી છે. ગામડાના પ્રશ્નોનું સમાધાન માટે ગામડે જવું જોઈએ, રાત્રી રોકાણ, ગ્રામસભા જેવા માધ્યમથી ઉકેલ લાવવો પ્રજાને પડતી મુશ્કેલી દૂર કરવા સાથે લોક સંપર્ક રાખો. હકારાત્મક અભિગમ સાથે જિલ્લાની પ્રગતિમાં ભાગીદાર બનો. પ્રથમ બેઠકમાં બીજી મિટિંગ માં સુધારો આવશે તેવી આશા વ્યક્ત કરી હતી
આ બેઠકમાં લોકસભાના સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી અને ઈડરના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, પૂર્વમંત્રી અને પ્રાંતિજ ના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગરના ધારાસભ્યશ્રી અને પૂર્વ મંત્રી શ્રી વી. ડી. ઝાલા, સંગઠન પ્રમુખ શ્રી જે. ડી. પટેલ સંગઠન હોદ્દેદારો ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી અને યોજનાની અમલવારી કઈ રીતે કરવામાં આવે છે તે અંગે માહિતી મેળવી જેમાં મનરેગા, મફત અનાજ, પ્રાકૃતિક ખેતી, દૂધ મંડળી, ખાણ ખનીજ વિભાગ પ્રશ્નો રજૂ કર્યા હતા.
જિલ્લા વહીવટી તંત્રના વડા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લાના અમલીકરણ અધિકારીઓને તાકીદ કરીને જણાવ્યું હતું કે, જન પ્રતિનિધિની રજૂઆત પ્રશ્નોની પ્રાધાન્ય આપીને યોગ્ય નિકાલ લાવી તેમને જાણ કરવા જણાવ્યું હતું અને ઉપસ્થિત સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહ, અધિક નિવાસી કલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી પાટીદાર, પ્રાયોજના વહીવટદારશ્રી નીનામા જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦