કૂડાસણમાં ‘‘સ્પાઈસી સ્ટ્રીટ’’ ખાતે આયોજિત “સ્કૅરી નાઈટ” ડીજે પાર્ટીના ગ્રાઉન્ડમાં “હેપ્પી યુથ ક્લબ”ના યુવા સ્વયંસેવકોએ “વિશેષ એજ્યુકેશન સેન્ટર”ના સ્પેશિયલ બાળકો સાથે નવા વર્ષને આવકાર્યું.
ગાંધીનગર :
ગાંધીનગરમાં ચોતરફ ડાન્સ અને ડીજે પાર્ટી સાથે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી નગરજનોએ ઉલ્લાસપૂર્વક વર્ષ-૨૦૧૯ ને આવકાર્યું હતું. આ સાથે શહેરમાં સેવાભાવી યુવાનોની સંસ્થા “હેપ્પી યુથ ક્લબ” દ્વારા કૂડાસણ ખાતેના વિશેષ એજયુકેશન સેન્ટરના માનસિક વિશિષ્ટ બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ન્યુ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં સ્પાઈસી સ્ટ્રીટ ખાતે શિવ ઇવેન્ટ તથા બ્લેક પોઝિશનના સંયુક્ત ઉપક્રમે થર્ટી ફર્સ્ટની ઉજવણીના ભાગરૂપે તા. ૩૧મી ડિસેમ્બરે શહેરમાં સૌ પ્રથમવાર ડરાવનારી ભૂતાવળની થીમ આધારિત ‘સ્કેરી નાઈટ’ ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ડીજે પાર્ટીના ગ્રાઉન્ડમાં શહેરના સેવાભાવી યુવાનોની સંસ્થા “હેપ્પી યુથ ક્લબ” દ્વારા કુડાસણ ખાતેની વિશેષ એજ્યુકેશન સેન્ટરના ‘‘વિશિષ્ટ’’ મનોદિવ્યાંગ બાળકો સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત ‘‘વિશેષ’’ના ૩૫ થી વધુ સ્પેશિયલ બાળકોએ પ્રાર્થના, ગીત, નૃત્ય તથા અન્ય સાંસ્ક્રુતિક કૃતિઓના પર્ફોર્મન્સ પ્રસ્તુત કર્યા હતા. હેપ્પી યુથ ક્લબના સ્વયંસેવકોએ વિવિધ પ્રવૃતિઓ દ્વારા બાળકોને આનંદિત કર્યા હતા જેમાં કેટલાક સ્વયંસેવકોએ સાંતાક્લોઝ, જોકર તથા રંગલા જેવા પાત્રોની વેશભૂષા ધારણ કરી બાળકોને ચોકલેટ્સ ખવડાવી મનોરંજન કર્યું હતું. આ પ્રસંગે નિરમા યુનિવર્સિટીથી આવેલા હિલેરિયસ વર્લ્ડ ગ્રૂપના યુવાનો દ્વારા એક હાસ્યપ્રધાન શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિશેષના ડાયરેક્ટર દીપાલીબેનનો જન્મદિવસ પણ હોવાથી કેકે કાપીને ઉજવણી કરવામાં આવી હતી. વિશિષ્ટ બાળકો સાથે ‘થર્ટી ફર્સ્ટ’ ઉજવી તેમને ‘હેપ્પી’ કરવાનો યુવાનોનો આ પ્રેરક પ્રયાસ નવો ચીલો ચાતરશે.
“હેપ્પી થર્ટી ફર્સ્ટ” કાર્યક્રમમાં સાધના મેન્ટલી ચેલેંજડ ચાઇલ્ડ પેરેન્ટ્સ એસોસોએશનના ભાનુભાઇ, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા રેખાબેન પાણસણીયા, ચેરિટિ સુપ્રિટેન્ડન્ટ રણજીતસિંહ સોલંકી, કૃપાલભાઇ પંડ્યા, વિરેન્દ્રસિંહ અને સંદીપભાઈ મલ્હોત્રા, મનપાના કોર્પોરેટર પાયલબેન મેનાત, સ્પેશિયલ ખેલ મહાકુંભના કોચ જિગ્નેશભાઈ રાવલ, જાણીતા નાટયકાર કુંતલ નિમાવત, હાસ્ય કલાકાર હરપાલસિંહ ઝાલા, પ્રેરણા સ્કૂલના પ્રિન્સિપાલ મનીષભાઈ ખત્રી, વૃંદા ડ્રેસિસના મનીષાબેન ખત્રી, નંદનવન આશ્રમ શાળાના આચાર્ય યોગેશભાઈ દરજી, ગજાનન સેવા સમિતિના મિલિન્દભાઈ ગુપ્તે, ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ એજ્યુકેશન દ્વારા મહેમાનોને તુલસીનો છોડ આપી તેમનો આદર સત્કાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિશેષ એજ્યુકેશનના સ્થાપક ચેરમેન અનુપભાઇ પરિખ, પ્રિન્સિપાલ ચિરાગભાઈ ઉપાધ્યાય, ડાયરેક્ટર દીપાલીબેન ઉપાધ્યાય તથા સંચાલક સમિતિના સભ્યો સપનભાઇ શાહ અને નાગજીભાઇ દેસાઇ, શિવ ઈવેન્ટના નિકુંજભાઈ મિસ્ત્રી, બ્લેક પોઝિશનના રાજભાઈ સોલંકી, સ્પાઇસી સ્ટ્રીટના પ્રિતેશભાઈ પટેલ ઉપરાંત હેપ્પી યૂથ ક્લબના કોશધ્યક્ષ ભાવના રામી સહિત સ્વયસેવકોએ હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન હેપ્પી યૂથ ક્લબના સ્વયંસેવક ઉન્નતિ પ્રિયદર્શીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા હેપ્પી યૂથ ક્લબના સ્વયંસેવકો અને વિશેષ એજ્યુકેશનના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના સમાપને બાળકોને ભોજન કરાવાયું હતું.