બે વર્ષથી ધરપકડથી બચી રહેલા વિરમ દેસાઈની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી
વીરમ દેસાઈએ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. હાઈકોર્ટના જસ્ટિસ સમીર જે. દવે સમક્ષ આ મામલાની સુનાવણી દરમિયાન અરજદાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે તે ફરાર નથી અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે. ACBના ઈતિહાસમાં પકડાયેલા સૌથી ભ્રષ્ટ અધિકારી તરીકે જાણીતા નિવૃત્ત મામલતદાર વીરમ દેસાઈની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. જાન્યુઆરી 2021માં ACBના દરોડા બાદથી ધરપકડથી બચી રહેલા વિરમ દેસાઈએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી અને ACB માટે માર્ગ મોકળો થયો હતો.
નોંધનીય છે કે જાન્યુઆરી 2021માં ACB (એન્ટી કરપ્શન બ્યુરો)ની ટીમે કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વીરમ દેસાઈની આશરે રૂ. 44 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. વીરમ દેસાઈને 11 દુકાનો, 33.47 કરોડ રૂપિયાના બેનામી પ્લોટ મળ્યા છે. ગુજરાતના ACBના ઈતિહાસમાં આ પહેલો કિસ્સો હતો જ્યારે સરકારી કર્મચારી પાસેથી આટલી મોટી રકમની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવામાં આવી હોય. તેની પાસે 11 લક્ઝરી કારનો કાફલો હોવાનું પણ બહાર આવ્યું હતું. આ ઉપરાંત વીરમ દેસાઈની ગાંધીનગરમાં 11 દુકાનો, 3 ફ્લેટ, 2 બંગલા, એક ઓફિસ, 30 બેંક ખાતા, બે પ્લોટ અને કરોડોની જમીન હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ACB ટીમે જાન્યુઆરીમાં કેસ નોંધ્યો ત્યારે વિરમ દેસાઈ પર 122.39% બિનહિસાબી સંપત્તિ હોવાનો આરોપ હતો. તપાસ દરમિયાન અપ્રમાણસર સંપત્તિ વધીને 185.92% થઈ હતી, એસીબીએ ચાર્જશીટમાં રજૂ કર્યું હતું. એસીબીએ આ મામલે વિરમ દેસાઈ અને તેના પરિવાર સહિત સાત સામે ગુનો નોંધ્યો છે.