ભારતમાં તો ઘટ્યા ભાવ, પણ પાકિસ્તાનની પેટ્રોલ ડીઝલની કિંમતો જાણી ચોંકી જશો.
ઈસ્લામાબાદ:
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જાહેરાત કરી છે કે તેમની સરકારે નવા વર્ષની ભેટ તરીકે પેટ્રોલ અને ડીઝલના ભાવો ઓછા કર્યા છે. પેટ્રોલના ભાવ 4.86 રૂપિયા પ્રતિ લીટર ઘટાડીને 90.97 રૂપિયા પ્રતિ લીટર કરી છે. જ્યારે ડીઝલના ભાવમાં 4.26નો ઘટાડો કરીને 196.68 રૂપિયા પ્રતિ લીટર કરી છે.
આ સાથે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે કહ્યું કે નવું વર્ષ દેશ માટે સુવર્ણકાળની શરૂઆત હશે. આ સાથે જ ઈમરાને 2019માં ગરીબી, નિરિક્ષરતા, અન્યાય અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જેહાદ શરૂ કરવાનો સંકલ્પ લીધો. ઈમરાન ખાને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર દ્વારા લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા નવા વર્ષ પર પોતાના સંકલ્પ પણ શેર કર્યાં.
તેમણે લખ્યું કે અમારો નવા વર્ષનો સંકલ્પ દેશની ચાર બીમારીઓ વિરુદ્ધ જેહાદ છેડવાનો છે. ગરીબી, નિરિક્ષરતા, અન્યાય અને ભ્રષ્ટાચાર. ખાને લખ્યું કે ઈન્શા અલ્લાહ 2019 પાકિસ્તાન માટે સુવર્ણ કાળની શરૂઆત હશે. ઈમરાન ખાનની સરકાર ઓગસ્ટમાં બની અને તેમણે કહ્યું હતું કે તેઓ નવું પાકિસ્તાન બનાવશે. પરંતુ હજુ સુધી તેઓ લોકોને કોઈ મોટી રાહત આપી શક્યા નથી.
ઓછી આવકવાળા લોકો માટે પહેલા 100 દિવસમાં 50 લાખ ઘરોનું નિર્માણ કાર્ય શરૂ કરવાનું સરકારનું વચન પણ પૂરું થતું દેખાતુ નથી. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પણ કામના કરી કે નવું વર્ષ દેશ અને દેશવાસીઓ માટે ખુશાલી અને સફળતા લાવે. સેનાના પ્રવક્તા મેજર જનરલ આસફ ગફૂરે પણ પોતાના એક સંદેશમાં કહ્યું કે 2019 પ્રગતિનું વર્ષ હશે.