2 લાખ બાકીનું કહી વ્યાજખોર ઇકો લઇ જતાં ફરિયાદ નોંધાઇ
હિંમતનગરના કરણપુરના શખ્સે 40 હજાર વ્યાજે લીધા હતાગાંભોઇમાં ફાયનાન્સની ઓફિસ ચલાવતા શખ્સ પાસેથી પૈસા લીધા હતાહિંમતનગરના કરણપુરના શખ્સે દસેક મહિના અગાઉ બે તબક્કામાં ખાનગી ફાયનાન્સ પેઢીમાંથી 40 હજાર લીધા બાદ નિયમિત હપ્તા ભરતા રહી બાકી રહેલ નજીવી રકમ ભરી ન શકતા 2 લાખ બાકી કાઢી ઇકો લઈ જનાર વ્યાજખોર વિરુદ્ધ ગાંભોઈ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
કરણપુરના જગદીશસિંહ કેસરીસિંહ ઝાલાએ જીવન નિર્વાહ માટે જૂની ઈકો લીધી હતી અને મોડાસાની મહિન્દ્રા ફાયનાન્સમાંથી લોન કરાવી હતી. ગાડી બગડી જતા અને તેમની માતાની તબિયત સારી ન હોઇ હપ્તા ભરવા અને ગાડી રિપેર કરાવવા પૈસાની જરૂર હોય દસેક મહિના અગાઉ ગાંભોઈમાં ફાયનાન્સની ઓફિસ ચલાવતા ધનપાલસિંહ પદમસિંહ રહેવરને મળ્યા હતા અને માસિક 10 ટકા વ્યાજે રૂપિયા 20,000 એડવાન્સ રૂ.2 હજાર વ્યાજ કપાવી રૂ. 18હજાર લીધા હતા અને અને આની સામે જગદીશસિંહે તેમના પિતાનો ચેક સિક્યુરિટી પેટે આપ્યો હતો.
રોજનો 200 નો હપ્તો હતો પરંતુ તેમની પાસે વ્યવસ્થા થાય તેમ વધુ પૈસા ભર્યે જતા હતા અડધી રકમ ભરી દેવા દરમિયાન તેમની માતાની તબિયત વધારે ખરાબ થતા દવા કરાવવા પૈસાની જરૂર હોય ધનપાલસિંહ રહેવર પાસેથી ફરીથી બીજા રૂપિયા 20,000 લેતા 2000 વ્યાજ કાપી 18000 રૂપિયા આપ્યા હતા અને રોજનો 200 નો હપ્તો નક્કી કરાયો હતો કુલ રૂપિયા 40,000 થતાં 400 લેખે હપ્તો જમા કરાવતા હતા અને સાથે વધારાની રકમ પણ જમા કરાવતા હતા અઢી મહિના સુધી પૈસા ભર્યે ગયા હતા અને છેલ્લે રૂપિયા 6,000 જેટલા બાકી હતા તે ભરી શક્યા ન હતા.
જેને પગલે ધનપાલસિંહ તેમના ઘેર આવી ધમકાવતા હતા અને બાકીના રૂપિયા વ્યાજ સહિત ભરપાઈ કરી દેજે નહીં તો ઇકો જમા કરાવી દેજે તેવી ધમકીઓ આપતા હતા. ધનપાલસિંહ આવ્યા હતા અને અપશબ્દો બોલી રૂપિયા બે લાખ લઈ ઓફિસ આવી જજે અને ગાડી લઈ જજે કહી ઇકો લઈ ગયા હતા જગદીશ સિંહની ફરિયાદ ને પગલે ગાંભોઈ પોલીસે ધનપાલસિંહ પદમસિંહ રહેવર (રહે.મોરડુંગરા તા.હિંમતનગર) વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.