હિંમતનગરમાં નેશનલ એપ્રેન્ટીસશીપ જાગૃતિ અંગે વર્કશોપ યોજાયો; વિવિધ પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડ્યું
હિંમતનગરમાં રીજીયોનલ ડાયરેક્ટરની ઉપસ્થિતિ અને જી.આઇ.ડી.સીના ચેરમેનની અધ્યક્ષતામાં નેશનલ એપ્રેન્ટીસ જાગૃતિ અંગે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં તજજ્ઞ વક્તાઓ દ્વારા યોજનાકીય જાણકારી અને એપ્રેન્ટીસ એક્ટ 1961 અન્વયે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જી.આઇ.ડી.સી.ના ચેરમેન શ્યામસુંદરે જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં અને દેશમાં એપ્રેન્ટીસ શીપ યોજના સ્કીલ ઇન્ડિયા એન.એ.ટી.એસ, એન.એ.પી.એસ.સહિત ઉદ્યોગિક તાલીમ સંસ્થા આઈ.ટી.આઈમાં ટૂંકા ગાળા અને લાંબા ગાળાની તાલીમ આપીને યુવાઓને તૈયાર કરવામાં આવે છે. અને હિંમતનગરમાં પણ બહેનોને સીવણની તાલીમ આપીને સિલાઈ મશીન આપીને અમદાવાદ ઢાલઘરવાડમાંથી કાપડ લાવીને 100 બહેનોને સિલાઈ મશીન આપીને મહિને 15થી 20 હજારનું કામ કરીને રોજગારીનું સર્જન કરે છે. તેવી જ રીતે ઔદ્યોગિક એકમોમાં પણ તાલીમ પામેલા યુવાનો આવે તો આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં આવશે અને બધાને નોકરી મળી જશે તે શક્ય નથી, પણ કૌશલ્ય હુન્નર હશે તો આપોઆપ રોજગારીનું સર્જન થઈ જશે.
ગુજરાતના રીજીયોનલ ડાયરેક્ટર જે.પી મીણાએ જણાવ્યું હતું કે, ગુજરાતએ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરતું રાજ્ય છે અને રાજ્યમાં નવા ઔદ્યોગિક એકમો કંપનીઓ રોકાણ કરીને તેમનું ઉત્પાદન કરવા તત્પર છે. તેવા સમયે કુશળ માનવબળ અને તાલીમ થયેલા કામદારો અને કર્મચારીઓની માંગ ખૂબ વધશે અને આ એપ્રેન્ટીસ યોજના વિદ્યાર્થી ભાઈ બહેનોને આશીર્વાદરૂપ સાબિત થશે અને રોજગારી સર્જનનું આગવું અંગ બની રહેશે. આ યોજનામાં જોડાવા માટે ઓનલાઇન એપ્લિકેશન અને પોર્ટલની વ્યવસ્થા વિકસાવામાં આવી છે.જેમાં ઓટોજનરેટ થઈ જશે પણ આપણે ચોક્કસ માહિતી અને પુરાવાઓ રજૂ કરવા આવશ્યક છે.
સાબરકાંઠામાં 1500 અને અરવલ્લીમાં 500 યુવાનો એક્ટિવ મોડમાં આ એપ્રેન્ટીસ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને તેમને સીધા ડી.બી.ટી.ના માધ્યમથી નાણા જમા કરવાની વ્યવસ્થા વિકસાવી છે. એપ્રેન્ટિસ શીપ યોજનામાં સર્ટિફિકેશન તાલીમ અંતે આપવામાં આવે છે. જે તેમને નોકરી બાબતે પણ ખૂબ ઉપયોગી થશે. ઉદ્યોગ ગૃહો કંપનીઓના માલિકોને સંબોધતા જણાવ્યું હતુ કે તાલીમ ટૂંકા ગાળાની ગોઠવીને આપને સુગમ રહે તે રીતે તાલીમ આપો અને તે તાલીમ લીધેલા યુવાનો બીજાને પણ કામ આવે પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.સૌ સાથે મળીને સ્કીલ ઇન્ડીયાના સ્વપ્નને સાકાર કરીએ.અને નેશનલ એપ્રેન્ટીશ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.