નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા ગાંધીનગર જિલ્લાની 70 શાળાઓને નિ:શુલ્ક સાયન્સ સીટીના પ્રવાસનું આયોજન
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ગુજરાત સાયન્સ સીટી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર જિલ્લાની 70 જેટલી શાળાઓને સાયન્સ સીટીના નિશુલ્ક પ્રવાસ માટે ની જાહેરાત કરવામાં આવેલી છે. આ કાર્યક્રમના ભાગરૂપ નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરને આ શાળાઓની પસંદગી કરી અને સાયન્સ સીટીના પ્રવાસ માટે આયોજન કરવાની જવાબદારી આપેલ છે ગુજરાત સાયન્સ સિટી એક સુંદર વિજ્ઞાન ધામ છે જેને જોવા હજારો લોકો આવે છે. પૈસે ટકે સુખી અને સમૃદ્ધ પરિવારના લોકો અને બાળકો સાયન્સ સીટીની મુલાકાત તો લેતા હોય છે પરંતુ ગામડાના અંતરિયાળ વિસ્તારના અને ગરીબ બાળકો સાયન્સ સીટી જોવાથી વંચિત રહી જાય છે. ગ્રામીણ વિસ્તારના બાળકો પણ સાયન્સ સિટીના પ્રવાસ દ્વારા વિજ્ઞાન વિષયક માહિતી મેળવે તે માટે આ સુંદર આયોજન થયું છે ગાંધીનગર જિલ્લાની ૪૦ જેટલી શાળાઓએ આ યોજના અંતર્ગત સાયન્સ સિટીની મુલાકાત લઈ લીધી છે. 31 માર્ચ સુધીમાં બાકીની 30 શાળાઓને સાયન્સ સીટી જોવાનો લાભ મળશે. સાયન્સ સીટીની મુલાકાત માટે જે શાળા જવાની હોય ત્યાં સરકારી બસ પહોંચી જાય છે.આ બસનું ભાડું શાળાએ ચૂકવવાનું હોતું નથી પણ ગુજકોસ્ટ દ્વારા ચૂકવાઈ જાય છે. સાયન્સ સિટીમાં પ્રવેશ તથા સાયન્સ સિટીમાં આવેલ વિવિધ વિભાગો માટે જે ટીકીટ ચાર્જ છે તે પણ તેમને ભરવાનો નથી. સંપૂર્ણ પ્રવાસ નિઃશુલ્ક છે.
વિદ્યાર્થીઓને સાયન્સસિટીની મુલાકાત દરમ્યાન હોલ ઓફ સાયન્સ, આઈ મેક્સ થિયેટર, રોબોર્ટિક ગેલેરી, એકવાટિક ગેલેરી(માછલી ઘર), નેચરપાર્ક,એનર્જી પાર્ક જેવા વિવિધ વિભાગો જોવાનો લ્હાવો મળતો હોય છે.આગામી દિવસોમાં વિજ્ઞાનની પ્રવૃત્તિઓને વેગમાન બનાવવા માટે આ પ્રકારના કાર્યક્રમો સતત હાથ ધરવામાં આવશે. ગાંધીનગર જિલ્લાની જે શાળાઓ વિજ્ઞાનની વિવિધ પ્રવૃત્તિઓમાં રસ લેતી હોય છે એવી શાળાઓને આ પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલ છે.