ચોપડી કે ગાદલામાં દબાવેલી 2000ની નોટો યાદ કરીને કાઢી લેજો બહાર, સરકારે લીધો આ મોટો નિર્ણય
નવી દિલ્હી :
બે વર્ષ પહેલા નોટબંધી બાદ જાહેર કરવામાં આવેલી બે હજાર રૂપિયાની ચલણી નોટો આજકાલ બજારમાં ઓછી જોવા મળી રહી છે. તેને લઈને હવે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંકે પણ મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પ્રમાણે બે હજાર રૂપિયાની કરન્સી નોટોનું મુદ્રણકાર્ય તેના લઘુત્તમ સ્તરે પહોંચી ગઈ છે. નાણાં મંત્રાલયના એક ટોચના અધિકારીએ ગુરુવારે આની જાણકારી આપી હતી. નવેમ્બર-2016માં કેન્દ્ર સરકાર તરફથી કરાયેલી નોટબંધી બાદ બે હજાર રૂપિયાની નોટ જાહેર કરવામાં આવી હતી. સરકારે આઠમી નવેમ્બર-2016ના રોજ પાંચસો અને હજાર રૂપિયાની જૂની ચલણી નોટોને ગેરમાન્ય ગણાવીને તેને ચલણમાંથી હટાવી દીધી હતી. બાદમાં આરબીઆઈએ પાંચસો રૂપિયાની નોટની સાથે બે હજાર રૂપિયાની પણ ચલણી નોટ જાહેર કરી હતી.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુ કે આરબીઆઈ અને સરકાર વખતોવખત કરન્સીના મુદ્રણકાર્યના પ્રમાણને લઈને નિર્ણય કરે છે. તેનો નિર્ણય ચલણમાં કરન્સીની ઉપરસ્થિતિના હિસાબથી કરવામાં આવે છે. જે વખતે બે હજાર રૂપિયાની ચલણી નોટ જાહેર કરવામાં આવી હતી. ત્યારે જ નિર્ણય કરવામાં આવ્યો હતો કે ધીરેધીરે તેના મુદ્રણકાર્યને ઘટાડવામાં આવશે. બે હજાર રૂપિયાની નોટ જાહેર કરવાનો એક માત્ર ઉદેશ્ય તાત્કાલિક ધોરણે રોકડ ઉપલબ્ધ કરાવવાનો હતો. અધિકારીએ જણાવ્યું તું કે બે હજાર રૂપિયાની કરન્સીના મુદ્રણકાર્યને ઘટાડી દેવામાં આવ્યું છે. બે હજાર રૂપિયાની કરન્સીના મુદ્રણકાર્યને તેના લઘુત્તમ સ્તરે લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના આંકડામાં માર્ચ-2017ના આખર સુધીમાં 328.5 કરોડ યુનિટ બે હજારની નોટના ચલણમાં હતા. 31 માર્ચ-2018 સુધીમાં બે હજારની ચલણી નોટની સંખ્યામાં મામૂલી વધારો થયો હતો અને તે 336.3 કરોડ યુનિટ સુધી પહોંચી હતી. માર્ચ-2018ના આખર સુધીમાં કુલ 18 હજાર 37 અબજ રૂપિયાની કરન્સી ચલણમાં હતી. આમા બે હજાર રૂપિયાની ચલણી નોટોનો હિસ્સો ઘટીને 37.3 ટકા રહી ગયો હતો. માર્ચ-2017ના આખર સુધી કુલ કરન્સીમાં બે હજાર રૂપિયાની નોટનો હિસ્સો 50.2 ટકા હતો. આ પહેલા નવેમ્બર-2016માં પાંચસો અને હજાર રૂપિયાની ગેરમાન્ય ઠેરવવામાં આવેલી જૂની ચલણી નોટો કુલ મુદ્રા ચલણના 86 ટકા હતી.