હિંમતનગરમાં પાણીના ટાંકીના ઢાંકણ ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ; અનંત વિહાર સોસાયટીમાં સાતથી વધુ ઢાંકણની ચોરી થઈ
શિયાળામાં તસ્કરો બેફામ બન્યા છે અને હિંમતનગર શહેર સહિત જિલ્લામાં રાત્રિ દરમિયાન ચોરીની ઘટના બનતા પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોધાયા છે. તો બીજી તરફ પોલીસ પણ તસ્કરોને પકડવા માટે પ્રયત્નો હાથ ધરી રહી છે.
હિંમતનગરમાં વહેલી સવારે બે શખ્સો ઘરના કમ્પાઉન્ડમાં કુદકો મારી પ્રવેશ કરીને ઢાંકણ એકઠા કરી ત્યારબાદ બહાર ચોકીદારી કરતા શખ્સને એક પછી એક ઢાંકણ આપ્યા બાદ શખ્સો કમ્પાઉન્ડ કુદીને પાછો બહાર આવે છે અને બીજાના ઘર તરફ જાય છે. આ રીતે ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા. હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં ઘરની ઓસરીમાં બનાવેલ પાણીની ટાંકી સહિત કુંડીઓના ઢાંકણ ચોરી થવાના બનાવો સામે આવ્યા છે
અનંત વિહાર સોસાયટીમાં ઘરના કમ્પાઉન્ડમાં શખ્સો ચોરી કરવા કુદીને અંદર ગયા બાદ ટાંકીના લોખંડ અને બીડના ઢાંકણ ચોરી કરી કમ્પાઉન્ડ બહાર ચોકીદારી કરતા શખ્સને આપે છે અને તે એક તરફ લઈ જાય છે. આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલી જોવા મળી હતી. તો આ ઢાંકણ ચોર તસ્કરો વહેલી સવારે આવેલા જોવા મળ્યા છે. જયારે મકાન માલિકો મીઠી નીંદર માણતા હોય ત્યારે મકાનમાં ચોરી કરતા જોવા મળ્યા હતા. અનંત વિહાર સોસાયટીમાં રહેતા વિઠ્ઠલભાઈ પ્રજાપતિ, હાર્દિકભાઈ પટેલના મકાનના કમ્પાઉન્ડમાંથી પાણીની ટાંકીના લોખંડ અને બીડના ઢાંકણ સાતથી વધુ ચોરી થયા હતા. આ અંગે સ્થાનિકોએ હિંમતનગર એ-ડિવિઝન પોલીસને જાણ કરી છે.