ગાંધીનગર જિલ્લાના દહેગામ અને ગાંધીનગર તાલુકામાંથી ૧૫ બસો અંબાજી પરિક્રમા માટે રવાના
આદ્યશક્તિ માં અંબાના ધામ અંબાજી ખાતે ચાલી રહેલા ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ના બીજા દિવસે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગાંધીનગર જિલ્લાના દહેગામ અને ગાંધીનગર તાલુકામાંથી આજે વહેલી સવારે કુલ ૧૫ જેટલી બસો થકી બેવ તાલુકાના ૬૫૮ ભક્તોને લઈને અંબાજી અને ગબ્બર પરિક્રમા માટે રવાના થઈ છે.
ગાંધીનગર જિલ્લાના નાગરિકોએ આસ્થા અને વિશ્વાસ સાથે ભક્તિમય પ્રસ્થાન કરતા,”જય અંબે” ના ગગનભેદી નાદ અને માતાજીના ગરબા સાથે ભક્તોને હર્ષોલ્લાસ અનેરો જોવા મળ્યો હતો. આ પ્રવાસમાં મોટી સંખ્યામાં મહિલાઓ, વડીલો અને યુવાનો જોડાયા છે, જેઓ ગબ્બર ખાતે પવિત્ર પરિક્રમાનો આજે લ્હાવો લેશે. ઉલ્લેખનીય છે કે,ભક્તોની સુવિધા માટે વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો આ ધાર્મિક મહોત્સવમાં સરળતાથી જોડાઈ શકે.આ આયોજન અંગે લાભાર્થી દાર્શનિકોએ વાત કરતા જણાવ્યું હતું કે, “માં અંબાના આશીર્વાદ લેવા અને ૫૧ શક્તિપીઠના એકસાથે દર્શન કરવા માટે અનેરો થનગનાટ છે. આ પરિક્રમાથી સમગ્ર પંથકમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું છે.”વહીવટી તંત્રના સુવિધા સભર આયોજન થકી આજે પણ શ્રદ્ધાળુઓ અંબાજી મુકામે પહોંચી માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવશે અને ત્યારબાદ ગબ્બર પર્વતની પરિક્રમા કરી ધન્યતા અનુભવશે.

