ગાંધીનગરના માઈ ભક્તો માટે ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા’નો આજથી પ્રારંભ
આજે ૧૫ બસોની વ્યવસ્થા થકી ૫૫૦થી વધુ માઈભક્તો પવિત્ર યાત્રાધામ અંબાજી પરિક્રમા માટે પહોંચશે. …આદ્યશક્તિ માં અંબાના ધામ અંબાજી ખાતે આયોજિત ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા’ મહોત્સવમાં સહભાગી થવા માટે ગાંધીનગર શહેરના શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના તમામ વોર્ડના નાગરિકો આ પરિક્રમાનો લાભ લઈ શકે તે હેતુથી આજે મહાનગરપાલિકા દ્વારા કુલ ૧૫ વિશેષ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકાના તમામ વોર્ડના ભક્તોને આવરી લેતા સર્વસમાવેશક આયોજન થકી આ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,તા.૩૦ જાન્યુઆરીના રોજ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈભક્તો નિર્ધારિત સ્થળોએ એકઠા થયા હતા, જ્યાંથી ૧૫ બસોમાં તેઓ અંબાજી જવા રવાના થયા છે.ભક્તોને પરિક્રમાના સ્થળ સુધી પહોંચાડવા અને પરત લાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર તથા કોર્પોરેશન દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગ અંતર્ગત કલેકટર શ્રી મેહુલ કે. દવેએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “૫૧ શક્તિપીઠ પરિક્રમા એ આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે. ગાંધીનગરના નાગરિકો સુખરૂપ આ પરિક્રમા કરી શકે અને માં અંબાના આશીર્વાદ મેળવી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર હંમેશા તત્પર છે.”અને આગલા બે દિવસમાં હજુ ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકાઓ માંથી પણ માં અંબાના દર્શન અને પરિક્રમા માટે જિલ્લામાંથી બસો ઉપાડવામાં આવશે.જેનાથી આ વધુમાં વધુ નાગરિકો આ પરિક્રમામાં જોડાઈ શકે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બસોના પ્રસ્થાન સમયે વાતાવરણ ‘જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોમાં આ આયોજનને લઈને અનેરો આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. વિગતે વાત કરવામાં આવે તો ગાંધીનગર શહેરી વિસ્તારમાંથી રાંધેજા ખાતેથી ૫૨, ફતેપુરા થી ૩૬, સેક્ટર 27 અને 28 થી ૨૮, ઝુંડાલ થી ૧૫, સેક્ટર 30 થી ૫૨, સેક્ટર 14 થી ૩૧, વાવોલ કોલવડા મળી ૪૩, સેક્ટર ચાર અંબાજી મંદિર થી ૫૭, સેક્ટર 3b માંથી ૩૪, સેક્ટર 6 અપના બજાર થી ૨૯, ખોરજ ખાતેથી ૪૬, કોબા રામજી મંદિર ખાતેથી ૪૬, સેક્ટર 5 બી મહાકાળી મંદિર ખાતેથી ૪૧, સેક્ટર 3 થી ૪૮ અને કુડાસણ ખાતેથી ૧૮ એમ કુલ મળી ૫૫૦થી વધુ માઈ ભક્તો આજે યાત્રાધામ અંબાજી પરિક્રમા માટે પહોંચશે.

