અંબાજી શક્તિપીઠ પરિક્રમા માટે એસટી બસનું ભાડું અડધુ કરવામાં આવશે
અંબાજી દર્શન માટે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી વિશેષ બસો દોડાવવામાં આવશે. 12 વર્ષથી વધુ ઉંમરના યાત્રાળુઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકે છે. એસટી માટે સુપર નોન એસી બસના ભાડાના 50 ટકા સબસિડી તરીકે આપવામાં આવશે, જેમાંથી 25 ટકા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અને 25 ટકા અંબાજી મંદિર ટ્રસ્ટ, સ્થાનિક સહકારી સંસ્થાઓ અથવા પ્રાયોજકો દ્વારા વહન કરવામાં આવશે. બાકીની 50 ટકા રકમ શ્રદ્ધાળુઓએ ઉપાડવાની રહેશે.
અંબાજી ગબ્બરમાં 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર 51મા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના સંદર્ભમાં રાજ્ય સરકારે અંબાજી માતાના દર્શન માટે આ દિવસોમાં યાત્રાળુઓને એસટી બસ ભાડામાં 50 ટકા સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે.ગુજરાતના યાત્રિકો આ પરિક્રમા ઉત્સવ દરમિયાન અંબાજી માતા, ગબ્બર અને 51 શક્તિપીઠોની પરિક્રમાનો લાભ લઈ શકે તે હેતુથી અંબાજી દર્શન યોજના અમલમાં મૂકવામાં આવી છે.
તમામ યાત્રાળુઓએ લાભ લેવા માટે આધાર કાર્ડની નકલ સબમિટ કરવાની રહેશે. કલેક્ટર દ્વારા મુખ્ય વાહનવ્યવહાર અધિકારી સાથે પરામર્શ કરીને જિલ્લાવાર બસોની ફાળવણી કરવામાં આવશે. બસ પિક-અપ પોઈન્ટ, સ્ટોપેજ અને સમય કલેક્ટર દ્વારા ટ્રાફિક ઓફિસ અને બનાસકાંઠા કલેક્ટર સાથે પરામર્શ કરીને નક્કી કરવામાં આવશે. આ યોજના 12 થી 16 ફેબ્રુઆરી 2023 સુધી જ માન્ય રહેશે.