મહિલાઓનો આધાર: સ્વધાર મહિલાઓનો આધાર બન્યું ગાંધીનગરનું માતૃછાયા નારી સંરક્ષણ ગૃહ
ભારતીય સભ્યતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ એટલે ભારતીય નારી. પૌરાણિક કાળથી લઈને આજદિન સુધી ભારતીય નારીએ પુરુષના ખભાથી ખભો મિલાવીને ન કેવળ પોતાના કુળને તાર્યા છે પણ દેશ અને સમાજ માટે પોતાનું આયખું ગાળીને પોતાની આવનારી પેઢીઓ માટે ઉદાહરણ પૂરા પાડયા છે. સમાજ માટે જીવનારી ‘હિન્દ કી નારી’ ગમે તેવા સંજોગો સામે લડીને પણ સૌની ઉદ્ધારક બની છે. આજના આધુનિક યુગમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પહોંચી છે ત્યારે સમાજમાં એવા લોકો પણ છે જે મહિલાઓના સામર્થ્યને પારખવામાં ભૂલ કરીને તેને રંજાડવાનો નઠારો પ્રયાસ કરે છે. ઉત્તરપ્રદેશની રમા (નામ બદલેલ છે) સાથે એમના સ્વજનોએ કંઇક આવું જ કર્યું.
ઉત્તરપ્રદેશની રમાના સુખમય ઘર સંસારનેપતિના વ્યસને છિન્નભિન્ન કર્યો અને રમા તેમજ તેની બે ફૂલ જેવી દિકરીઓનું જીવન પણ અંધારામાં ગયું. પતિનો ત્રાસ હદપાર ગયો ત્યારે પતિ સાથેના સંબંધ તૂટ્યાં અને દિયર સાથે ઘર સંસાર માંડી ગુજરાતમાં કામ અર્થે સ્થાયી થઈ ગયા. રમાને દિયરથી એક પુત્ર થયો. પણ તેનો દિયર પણ હવે તેના પતિની જેમ નશો કરીને મારઝૂડ કરવા માંડ્યો હતો. રમા ભીતરથી સાવ તૂટી ગઈ હતી. શું કરવું ને શું ના કરવું એ તેને સમજાતું ન હતું. રમા જે જગ્યાએ કામ કરતી હતી ત્યાંનાં કર્મચારીઓએ જ્યાં સુધી કંઇ સમાધાન ન થાય ત્યાં સુધી ગાંધીનગરના સેક્ટર ૧૨ના નારી સંરક્ષણ ગૃહનો સંપર્ક કરાવી આપ્યો. નારી સંરક્ષણ ગૃહ રમાનું માવતર બનીને આગળ આવ્યું. રમાને પોતાના પુત્ર સહિત રહેવાનો આશરો આપ્યો અને થોડા દિવસો બાદ રમાના સાસુ સસરા સાથે સંપર્ક કર્યો જેમના પાસે તેની દીકરીઓ હતી. સંસ્થાના પ્રયત્નો અને સમજાવટથી રમા ફરીવાર પોતાની વહાલી દીકરીઓને મળી શકી. નારી સંરક્ષણ ગૃહનો તેણે ખૂબ આભાર માન્યો હતો.
ગાંધીનગરનું માતૃછાયા નારી સંરક્ષણ ગૃહ સ્વધાર ગૃહ તરીકે પણ ઓળખાય છે અને રમા જેવી અનેક બહેનોનું આશ્રય સ્થાન બન્યું છે. કુટુંબ કલેશ, લગ્ન જીવનનો વિખવાદ, માનસિક ત્રાસ અને દહેજ જેવા સામાજીક દૂષણોનો ભોગ બનેલી બહેનો, કુંવારી માતા બનેલી બહેનો, આપઘાત કરવા પ્રેરાયેલી બહેનો, કૌટુંબિક જીવનમાં પુનઃવસવાટ કરવા માંગતી બહેનો, ૧૮૧ અભયમ હેલ્પલાઇન વગેરે દ્વારા આવતી બહેનોને નારી સંરક્ષણ ગૃહમાં આશરો અપાય છે.
આ સંસ્થામાં ૧૮ વર્ષથી ૬૦ વર્ષ સુધીની ઉંમર ધરાવતી બહેનોને પ્રવેશ આપવામાં આવે છે. સાત વર્ષ સુધીના બાળકો ધરાવતી બહેનોને પણ પ્રવેશ અપાય છે. આ સંસ્થામાં પાગલ (ગાંડપણ) તથા માનસિક રોગથી પીડિત, ચેપી રોગવાળી બહેનોને પ્રવેશ આપવામાં આવતો નથી. સામાન્ય રીતે આ સંસ્થામાં દાખલ થયેલ બહેનોના પ્રશ્નોનો સુખદ નિકાલ કે સમાધાન ન થાય ત્યાં સુધી આશ્રય આપવામાં આવે છે અને તેની ચકાસણી સંસ્થાની કારોબારી દ્વારા કરવામાં આવે છે. સામાન્યતઃ વધુમાં વધુ ત્રણ વર્ષ આશ્રય આપવામાં આવે છે.
આ સંસ્થામાં આશ્રિત બહેનોને આશ્રય દરમિયાન ભરતગુંથણ તથા સિવણ શીખવવામાં આવે છે. અભણ બહેનોને અક્ષરજ્ઞાન આપવામાં આવે છે. સંસ્થામાં વર્તમાનપત્રો, સામયિકો, માસિક તથા સંસ્કાર સિંચતા સાહિત્યો વસાવવામાં આવેલા છે જેના દ્વારા બહેનોનો માનસિક વિકાસ થાય છે. સંસ્થામાં આશ્રિત બહેનોને જરૂરી તબીબી સારવાર પુરી પાડવામાં આવે છે અને નિયમિત સમયસર પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. જે બહેનોના કોર્ટમાં કેસ ચાલતા હોય તેવા કિસ્સામાં રાહત દરે વકીલની સલાહ અને કોર્ટની કાર્યવાહી કરવામાં આવે છે.
૩૫ વર્ષથી જોડાયેલા સંસ્થાના સંચાલિકા દક્ષાબેન સોલંકી જણાવે છે કે, ‘સંસ્થામાં નાની દીકરીઓથી માંડીને વિધવા સુધીની મહિલાઓ આવે છે. સૌને આત્મનિર્ભર કરવી તેમજ સમાજ સાથે ભળતી કરવી એ જ અમારું ધ્યેય હોય છે. ભણવા માંગતી, પરીક્ષાની તૈયારી કરવા માંગતી તેમજ નોકરી જવા માંગતી દરેક મહિલાઓને સંસ્થા સંપૂર્ણરીતે સહયોગ કરે છે.’
સંસ્થાના નિવાસી અધિક્ષક જશોદા જોશિયારા સ્વધાર ગૃહ અંગે જણાવતાં કહે છે કે, ‘સંસ્થામાં આવતી મહિલાઓ શરૂઆતમાં ગભરાયેલી હોય છે. તે માનસિક રીતે સ્વસ્થ થાય તે માટે અમે તેને સાંત્વના તેમજ હૂંફ આપીએ છીએ. તેથી તે અમને પોતિકાં સમજીને પોતાની દરેક સમસ્યાઓ વિશે જણાવે છે. સમસ્યા જાણ્યા બાદ પિયરપક્ષ અને સાસરીપક્ષને સમાધાન માટે બોલાવવામાં આવે છે. સંસ્થામાં રહે ત્યાં સુધી ભરતકામ, સીવણકામ, મોતીકામ, વેસ્ટમાંથી બેસ્ટ વગેરે બનાવવાની પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. બહેનો દીકરીઓ પગભર થઈને પાંચ પચ્ચીસ કમાતી થાય એ માટે સંસ્થા હંમેશા પ્રયત્નશીલ રહી છે.’
કેન્દ્રસરકારનીસહાયથીઅખિલભારતીયસામાજીકસ્વાસ્થ્યસંઘદ્વારાનારીસંરક્ષણગૃહનીમાર્ચ૧૯૮૪માંગાંધીનગરખાતેસ્થાપના કરવામાં આવીહતી. પહેલા આ સંસ્થા ભારત સરકાર હસ્તગત હતી, પણ વર્ષ ૨૦૧૬થી હવે તે ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હસ્તગત છે.આ સ્વધાર સંસ્થા મહિલાઓને પોતે જ પોતાનો આધાર બનવાનું, સમાજમાં જીવવા માટે નિર્ભય બનીને રહેવાનું અને પોતાના વિકાસ માટે આત્મનિર્ભર બનવાનું શીખવે છે.
——————————