ઘઉંના ભાવ ઘટયા ત્યાં કઠોળમાં તેજીઃ સીંગતેલ વધુ ઉંચકાયુ
લાંબા વખતથી મોંઘવારીમાં પિસાતી પ્રજાને કોઇ રાહત મળતી ન હોય તેમ વારાફરતી એક પછી એક ખાદ્યચીજામાં ભાવવધારાથી રસોડાનું બજેટ ખોરવાયેલું જ રહયું છે. છેલ્લા પખવાડીયામાં ઘઉંના ભાવમાં માંડ રાહત મળી છે તો હવે કઠોળ તથા ખાદ્યતેલના ભાવ સળગવા લાગ્યા છે. ઘઉંમાં આખુ વર્ષ તેજી અને ઉંચા ભાવ રહયા બાદ છેલ્લા પખવાડીયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે ભાવવધારો રોકવા ૩૦ લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં ઠાલવવાને પગલે માનસ નબળું પડતું હતુ અને વધારામાં નવી સીઝન શરૂ થવાની અસર હતી.
ગત મહનિામાં પ્રતિ કવીંટલ રૂ. ૩૦૦૦થી અધિકના ભાવ દેખાડનારા ઘઉં હવે ૨૫૦૦ના સ્તરે પહોંચી ગયા છે.નવા ઘઉંની ધીમી આવક શરૂ થઇ જ ગઇ છે અને આવતા મહિનામાં જાર પકડવા લાગશે તેવી ગણતરીએ ભાવ સતત ઘટી રહયા છે. રાજકોટ યાર્ડમાં કેટલાક દિવસોથી ૫૦૦થી ૬૦૦ના સ્તરે રહેલા ઘઉંના ભાવ નીચે ઉતરી ગયા છે. આજે લોકવન ઘઉંના ૪૮૦ થી ૫૪૦ તથા ટુકડા ઘઉંના ૪૯૦થી ૫૮૦ હતા. ઘઉંમાં મહિનાઓ બાદ રાહત મળવા છતા બાજરી, જુવારના ભાવ ઉંચા જ રહયા છે. અને જયાં હવે તુવેર, અડદ જેવા કેટલાક કઠોળમાં તેજી થઇ છે. તુવેર તુવેરદાળની સીઝન ટાણે તેમાં એક જ દિવસમાં પ્રતિ કવીંટલ ૫૦૦ રૂપીયાનો ઉછાળો નોંધાયો હતો. ભાવ ૭૫૦૦ થી ૭૭૦૦ થયો હતો. હવે તુવેરદાળ પણ મોંઘી થઇ શકે છે.
તુવેરના ઉત્પાદનમાં ૨૦ ટકા જેવો કાપ આવવાના અેંધાણથી તેજી થયાનું કહેવાય છે. રાજકોટ યાર્ડમાં ૭૨૦ કવીંટલની આવક તુવેરનો ભાવ ૧૨૦૦ થી ૧૫૭૦ હતો. અડદમાં પણ તેજી રહી વ્યાપારીઓના કહેવા પ્રમાણે આયાતી માલમાં વિલંબ થવાની અટકળોથી ભાવવધારો છે.મગ, ચોળી, વાલ વગેરેનો ભાવ પણ ઉંચા જ છે. બીજી તરફ સીંગતેલમાં આજે સતત બીજા દિવસે ડબ્બે રૂ. ૩૦નો ભાવવધારો હતો. ચીનની ખરીદી તથા મગફળીના ઉંચાભાવથી તેજી થઇ છે. સીંગતેલ ૧૦ કીલો લુઝનો ભાવ ૧૭૨૦માં ટકેલ હતો. પરંતુ સીંગતેલ ટેકસપેઇડ તથા ટીનનો ભાવ વધુ રૂ.૩૦ના ઉછાળાથી ૨૭૯૦થી ૨૮૫૦ રહયો હતો.