આગામી 48 કલાક સુધી રાજ્યમાં હીટ વેવની આગાહી
આગામી 48 કલાક સુધી રાજ્યમાં હીટ વેવની આગાહી હાલમાં રાજ્યમાં બેવડી ઋતુ ચાલી રહી છે. મોડી રાત્રે અને સવારના સમયે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે દિવસભર ગરમીનો અહેસાસ રહે છે. ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી રાજ્યમાં હીટ વેવની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની સંભાવના છે. કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થવાની સંભાવના છે. સાથે જ મધ્ય ગુજરાતમાં તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેશે. આ સાથે બપોરના સમયે ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે.
ગુજરાતના વિવિધ શહેરોમાં ધીમે ધીમે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. 50 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે અમદાવાદમાં ફેબ્રુઆરીમાં તાપમાન 38 ડિગ્રીએ પહોંચ્યું હોય. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 40 ડિગ્રીને પાર થવાની સંભાવના છે. આ સાથે હવામાન વિભાગે કહ્યું છે કે સૂકા અને ગરમ પવનો ફૂંકાશે. રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના દસથી વધુ શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીને વટાવી ગયું છે. 20 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં 37 ડિગ્રી, ભુજમાં 38 ડિગ્રી, રાજકોટમાં 38 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી, કંડલામાં 37 ડિગ્રી અને અમરેલીમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
નોંધપાત્ર વાત એ છે કે, વાતાવરણમાં ફેરફારને કારણે ફેબ્રુઆરી મહિનામાં તાપમાન જે હોવું જોઈએ તેનાથી વિપરીત નોંધાઈ રહ્યું છે. ઉનાળામાં સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં તાપમાન 35 ડિગ્રી નોંધાય છે. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ તાપમાન 40 ડિગ્રીને પાર કરી રહ્યું છે. જોકે બે દિવસ મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રીની વચ્ચે રહેશે, ત્યારબાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.