કોરોનાકાળ બાદ આરોગ્ય પ્રત્યે લોકો વધુ સજાગ થયા ઃ સિવિલની ઓપીડી વધી
નિષ્ણાંત ડોક્ટરો અને સારી સુવિધા-વ્યવસ્થાને કારણે શ્રીમંત ઘરના લોકો પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લાઇનમાં બેસીને નિદાન-સારવાર કરાવતા હોય છે આસપાસના વિસ્તારોમાં મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલની ભરમાર વચ્ચે પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો ખાસ જોવા મળે છે. કોરોનાના પ્રાણઘાતક વાયરસે વ્યક્તિને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કર્યો છે આ જીવલેણ વાયરસના ડરથી લોકોમાં પોતાના સ્વાસ્થ્યને લઇને વધુ સજાગતા આવી છે. નાની બિમારીઓને અગાઉ જે લોકો નજરઅંદાજ કરતા હતા તે દર્દીઓ હવે ડોક્ટરને બતાવતા થયા છે જેના કારણે કોરોનાકાળા બે વર્ષ કરતા પણ ગત વર્ષે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ૬૦ હજાર જેટલા દર્દીઓ વધ્યા છે. વર્ષ ૨૦૨૦ અને ૨૧ દરમ્યાન સિવિલમાં સરેરાશ ૩.૬૦ લાખ દર્દીઓ નોંધાયા હતા જેની સામે વર્ષ ૨૦૨૨માં ૪.૧૮ લાખ દર્દીઓએ સારવાર લીધી છે.ગાંધીનગર શહેરી વિસ્તાર ઉપરાંત આસપાસના ગામો તેમજ દહેગામ અને માણસા તાલુકાના દર્દીઓ અહીં સારવાર લેવા આવતા હોય છે. આવી સ્થિતિમાં વર્ષ ૨૦૧૯ સુધી છેલ્લા પાંચ વર્ષમાં દર વર્ષે છ લાખ જેટલા ઓપીડી કેસ નિકળતા હતા અને ૫૦ હજારથી વધુ ઇનડોર દર્દીઓ નોંધાતા હતા પરંતુ વર્ષ ૨૦૨૦થી એટલે કે, કોરોનાની શરૃઆત થઇ ત્યારથી દર્દીઓમાં ઘટાડો નોંધાયો છે. કોરોનાને કારણે અન્ય બિમારીઓ ઘટી હોય તેમ સિવિલ હોસ્પિટલમાં કોવિડ પેસન્ટ સીવાયના અન્ય દર્દીઓ પણ ઘટયા હતા.વર્ષ ૨૦૨૦માં ૩.૪૦ લાખ દર્દીઓ નોંધાયા હતા જ્યારે વર્ષ ૨૦૨૧માં ૩.૮૧ લાખ દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી હતી. આ ઉપરાંત ૬૮ હજાર જેટલા ઇમરજન્સી તથા ૨૯,૭૧૯ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી.તો વર્ષ ૨૦૨૨ના ૧૨ મહિના દરમિયાન ઓપીડીથી લઇને ઇમરજન્સી સુધી દરેક જગ્યાએ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ગત વર્ષે ૪,૧૮,૨૯૬ ઓપીડી કેસ નિકળ્યા હતા તો ૭૨,૪૪૯ દર્દીઓએ ઇમરજન્સી વિભાગમાં સારવાર લીધ હતી જ્યારે ૩૭,૨૯૯ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. આમ, કોરોનાના બે વર્ષ કરતા ગત વર્ષે દર્દીઓની સંખ્યા સિવિલમાં વધી છે આ અંગે ડોક્ટરોનું માનીયે તો કોરોનાને કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ થયા છે અને નાની-નાની બિમારી તથા રોગને નજરઅંદાજ કરવાને બદલે તેની ડોક્ટરી તપાસ કરાવે છે જેના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.