ધોલેરા SIRમાં દેશનો સર્વપ્રથમ સેમી કન્ડક્ટર પ્લાન્ટ શરૂ થશે
ગાંધીનગર :
ગુજરાત સરકારે ધોલેરા સ્પેશ્યિલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન- SIRમાં ડેવલપ થયેલી લેન્ડના ૩૭.૫૦ ટકા જેટલી જમીન ભારતના સૌપ્રથમ સેમી કન્ડક્ટર પ્લાન્ટ માટે ફાળવણી થઈ છે. વેદાંતા ફોક્સકોન દ્વારા થયેલી ફાળવણીની પ્રક્રિયાનો પત્ર ભારત સરકારને મોકલવામાં આવ્યો છે. જ્યાંથી મંજૂરી મળ્યા બાદ આ કંપની ધોલેરા SIRમાં પ્લાન્ટનું બાંધકામ શરૂ કરશે. રૂ.૧.૫૦ લાખ કરોડના રોકાણ સાથે કંપનીએ આગામી ત્રણેક વર્ષમાં સેમિ કન્ડક્ટરનું ઉત્પાદનો શરૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી દરમિયાન ઓટો મોબાઈલથી શરૂ કરીને ઈલેક્ટ્રોનિક ગેઝેટ સહિત કાર, વોશિંગ મશીન, ફ્રિજથી શરૂ કરીને બેંકિગ વ્યવહારો માટે ઉપયોગી એવા ડેબિટ- ક્રેડિટકાર્ડ સહિત તમામ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેઝેટમાં ચીપ અર્થાત સેમી કન્ડક્ટર ઉપકરણો માટે વિશ્વ આખુ ચીન ઉપર નિર્ભર છે. આ તબક્કે સેમી કન્ડક્ટરના ઉત્પાદન માટેનો ભારતનો સર્વપ્રથમ પ્લાન્ટ ધોલેરામાં સ્થપાવા જઈ રહ્યો છે. વેદાંતા ફોક્સકોનને ૬૦૦ એકર જમીન ફાળવણી બાદ તેમની મંજૂરી માટે ગુજરાત સરકારે ભારત સરકારને પત્ર મોકલ્યો છે. જેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભારતીય કંપની વેદાંતા અને તાઈવાન બેઝ્ડ ફોક્સકોનનુ એક ડેલિગેશન સપ્તાહથી ધોલેરા અને ગાંધીનગરમાં હોવાનું જાણવા મળ્યુ હતુ. વેદાંતા ફોક્સકોનને ફાળવાયેલી જમીનની કિંમત અંગે સરકારે ફોડ પાડ્યો નથી પરંતુ, ધોલેરા SIRમાં હાલ ડેવલપ કરાયેલી બે ટાઉન પ્લાનિંગ સ્કીમો હેઠળની કુલ ૧૬૦૦ એકરમાંથી ૬૦૦ એકર જમીન ફાળવ્યાનું જણાવતા ટોચના અધિકારીએ કહ્યુ કે, ભારત સરકારની મંજૂરી બાદ આ કંપની કન્ડક્ટર એસેમ્બલિંગ અને ટેસ્ટિંગ યુનિટ સ્થાપી વર્ષ ૨૦૨૫-૨૬માં ઉત્પાદન પણ શરૂ કરી દેશે.