અમદાવાદની યુવતી નકલી કોલ લેટર લઈ પીએસઆઇની તાલીમ માટે પહોંચી
ગાંધીનગર : ગાંધીનગર નજીક આવેલી કરાઈ પોલીસ એકેડમી ખાતે ગઈકાલે અમદાવાદની એક યુવતી પીએસઆઇની તાલીમ માટે પહોંચી હતી. જો કે તેણે રજૂ કરેલા દસ્તાવેજો ખોટા હોવાનું ધ્યાને આવતા કંટ્રોલર દ્વારા આ અંગે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ યુવતીની પૂછપરછ કરીને ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. પિતાનું સપનું પૂરું કરવા માટે આ યુવતીએ બોગસ દસ્તાવેજ ઊભા કર્યા હોવાનું બહાર આવ્યું હતું.
સરકારની નોકરી મેળવવા માટે અત્યારના યુવક યુવતીઓ કોઈપણ હદે જવા તૈયાર છે ત્યારે અમદાવાદમાં રહેતી એક યુવતી તેના પિતાનું પીએસઆઇ બનાવવાનું સપનું પૂરું કરવા માટે ઇન્ચાર્જ ડીજીપીના બોગસ સહી સિક્કા સાથે પીએસઆઇની તાલીમ લેવા માટે ગાંધીનગર નજીક કરાય પોલીસ એકેડમી ખાતે પહોંચી હોવાની ઘટના બહાર આવી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે કરાઇ પોલીસ એકેડેમીમાં કંન્ટ્રોલ ઓપરેટર તરીકે ફરજ બજાવતા જશુભાઇ ચૌધરી ગઈકાલે પોતાની ફરજ પર હાજર હતા તે સમયે એકેડેમીના મેઇન ગેઇટ ઉપરથી સંત્રી આનંદ ગામીતે ફોન કરી તેઓને જાણ કરી હતી કે, એક બેન આવ્યા છે અને તે કહે છે કે પોતે પો.સ.ઇ ભરતીમાં પાસ થયેલ છે અને હાજર થવા આવેલ છે. આ અંગે જશુભાઈએ ડે.ઓફીસર પો.સ.ઇ. આર.આર.યાદવને જાણ કરતાં તેઓ દ્વારા મહિલાને પરવાનગી આપી હતી. બાદમાં તેઓ કંન્ટ્રોલરૃમ ખાતે આવેલ યુવતીનું નામ સરનામું પુછવામાં આવતા પોતાનું નામ ધારા જોષી રહે. મિલનપાર્ક સોસાયટી શારદા સ્કુલ પાસે, વેજલપુર અમદાવાદ હોવાનું જણાવ્યું હતું. બાદમાં ધારા જોષી પાસે પો.સ.ઇ.ભરતીમાં પાસ થયેલ તે બાબતના ડાકયુમેન્ટ બાબતે પુછતાં તેણે પો.સ.ઇ.ભરતી બોર્ડનું ભરેલ ફોર્મ તથા તેની સાથે હસ્ત લિખીત પત્ર રજુ કર્યા હતા. ધારાએ રજુ કરેલ તમામ પત્રો હાથથી લખેલ હતા, તેમજ તે લેટરમાં ૈંઁજી વિકાસ સહાયના નામની સહીઓ કરેલી હતી. જે ડોકયુમેન્ટ જોતાં પ્રથમ દ્રષ્ટીએ ખોટા હોવાનું જણાઇ આવતાં એકેડમીમાં પો.સ.ઇ.તરીકે પાસ થયેલ ઉમેદવારોનું લિસ્ટ ચેક કરતાં આ યુવતીનું નામ જ હતું નહીં, તેમજ પો.સ.ઇ. ભરતીમાં પાસ થયેલ તમામ ૨૮૯ ઉમેદવારો હાલમાં ટ્રેનીંગમાં હાજર થઇ ગયા હોવાથી શંકા જતાં ઉચ્ચ અધિકારીઓને આ અંગેની જાણ કરવામાં આવી હતી. બાદમાં અધિકારીઓ ધ્વારા પુચ્છપરછ કરવામાં આવતા ધારાએ જણાવ્યું હતું કે, પોતે પોલીસમાં નોકરી કરવાનો રસ હતો, જેથી પરીક્ષા પાસ કરેલ નહીં હોવાથી જાતે આ લેટર તૈયાર કર્યા હોવાની કબુલાત કરી હતી.