રાજ્યમાં 18 વર્ષમાં ધો.9થી 10ની 2600 ગ્રાન્ટેડ શાળાને તાળાં વાગ્યા
18 વર્ષ પહેલા 10,000 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો હતી, જે હવે 7400 થઇ ગઇ છે. જો આ જ નીતિ શરૂ રહેશે તો આગામી વર્ષોમાં એકલા ભાવનગરમાં જ 20થી વધુ ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઇ જશે. હાલમાં મોટી સંખ્યામાં દર વર્ષે સરકારી શાળાઓ શરૂ થાય છે અને ત્યાં સ્ટાફ હોતો જ નથી પણ ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરવામાં તે મુખ્ય કામ કરે છે. કારણ કે સરકારી શાળાઓને પરિણામ કે સંખ્યાનો નિયમ લાગુ પડતો જ નથી જ્યારે ગ્રાન્ટેડ શાળામાં શહેરમાં 33 અને ગ્રામ્યમાં 24 કરતા ઓછી સંખ્યા હોય એટલે બંધ જ થાય છે. આ પણ એક કારણ છે. સરકારી શાળાઓમાં બે કે ત્રણ વિદ્યાર્થીઓ હોય તો પણ વર્ગ ચાલે જ્યારે ગ્રાન્ટેડ શાળામાં નિયમ કરતા 1 ઓછો હોય તોય બંધ જ કરવાની થાય છે.ગ્રાન્ટ, ભરતી, શિક્ષકોની ભરતી મામલે સરકારની અણઘડ નીતિને લીધે સામાન્ય પરિવારના બાળકોને શિક્ષણ આપતી ધો.9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓનું હવે અસ્તિત્વ ખતરામાં છે. ગુજરાતમાં છેલ્લાં 18 વર્ષમાં સરકારની શિક્ષણના ખાનગીકરણની નીતિને લીધે 2600 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને કાયમી તાળા લાગી ગયા છે.
શાળાઓમાં ગ્રાન્ટની રકમ પણ સમયસર મળતી નથી. શિક્ષકોને શિક્ષણ સિવાયના કામો સોંપાય છે. સંચાલકોએ જણાવ્યું હતુ કે સરકાર દ્વારા ધોરણ 9 અને 10ના બે વર્ગ હોય તો મહિને 6 હજાર અને વર્ષે 72 હજારની ગ્રાન્ટ ફાળવાય તે સામે બે વર્ગ માટે અંદાજે દોઢ લાખથી વધુનો ખર્ચ ઓછામાં ઓછો થાય છે. ગ્રાન્ટેડ શાળાઓને મળતી રકમમાંથી ઈન્ટરનેટ ખર્ચ, પરીક્ષા ખર્ચ ,સફાઈ કામદાર, ચોકીદાર, CCTV કેમેરા મેન્ટેઈનન્સ, શિક્ષકોને ચૂકવવું પડતું ભથ્થું, સરકારી ઉત્સવોમાં શિક્ષક હાજર રહે તો તેનો ખર્ચ વિગેરેને ગણો તો 60 હજાર રૂપિયા સુધી જઈ પહોંચતો હોય છે. ભાવનગર શહેરની 5 શાળાઓ જ્યારે તાલુકા અને ગ્રામ્યમાં પણ 15 જેટલી મળીને કુલ 20 જેટલી શાળાઓ આગામી વર્ષોમાં બંધ થઈ જશે. એક પ્રશ્ન દર વર્ષે વર્ગો ઘટે છે અને શિક્ષકો મોટી સંખ્યામાં ફાજલ થાય છે તેનો પણ છે. અત્યારે પણ 25 જેટલા ફાજલ શિક્ષકો હશે.