ગુજરાત

દહેગામ તાલુકાના સામેત્રી ગામના ખેડૂત બન્યા પ્રાકૃતિક ખેતીના પ્રસારક

રાજ્ય અને દેશ આખાયનો ખેડૂત સમૂહ, ઉત્પાદકતાને પ્રાધાન્ય આપીને પોતાની માતા સમાન જમીનને રાસાયણિક ખાતરો અને વિવિધ દવાઓના છંટકાવથી બિનઉપજાઉ બનાવી રહ્યો છે. એક સમય એવો હતો કે ખેતરમાં પ્રાકૃતિક ઢબે ખેતીથી અનાજના ભંડારો ઉભરાતા અને એ ધાન્યો, શાકભાજી અને ફળફળાદી આદિના સેવનથી લોકો સ્વસ્થ્ય રહેતા. હવે જ્યારે રાસાયણિક રીતે તૈયાર કરેલા પાક અને ઠેકઠેકાણે ભેળસેળવાળા ખોરાક મળે છે ત્યારે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ખાદ્યાનો સમયની તાતી જરૂરિયાત બની ગયા છે. આ સમસ્યાઓને ભારતના પ્રધાનમંત્રીશ્રીએ જાણી અને પિછાણી છે. ખેતીની ગુણવત્તામાં સુધારો લાવવા અને દેશના નાગરિકોને આરોગ્યપ્રદ ધાન્ય, શાકભાજી અને ફળફળાદી મળી રહે તે માટે પ્રધાનમંત્રીશ્રીએ દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો આગ્રહ કર્યો છે.
પ્રાકૃતિક ખેતી એ ભારતની સભ્યતા અને સંસ્કૃતિનું પ્રતિક છે. ગુજરાતની ડબલ એન્જિન સરકારે પ્રાકૃતિક ખેતી માટે વિશેષ ધ્યાન આપ્યું છે. રાજ્યના ખેડૂતોને આ માટે જિલ્લાના પ્રાકૃતિક સંસોધન કેન્દ્રો, બાગાયત વિભાગ અને રાજ્યના કૃષિ વિભાગ દ્વારા તાલીમ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગુજરાતનાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દેશભરના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
દહેગામના સામેત્રી ગામના ખેડૂત હિતેશકુમાર રામાભાઇ પટેલે પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતીને આધારે જામફળી, ઓસ્ટ્રેલિયન બદામ, દાડમ, વગેરેની ખેતી કરી છે. તેમણે ખેતરમા એક પાક ન લેતા પંચસ્તરીય ખેતી કરી છે. જેમાં મુખ્ય પાક તરીકે જામફળ અને સૌથી બહારની બાજુએ મલબારી લીમડા વાવ્યાં છે. આ લીમડા ખુદ એક એન્ટિ બેકટોરિયલ તરીકે વર્તે છે અને એની આસપાસ જીવાતોની ઉત્પતિ થવા દેતા નથી. હિતેશભાઈ મૂળરૂપે પ્રાકૃતિક ખેતીને જન જન સુધી પહોંચાડવાનો નેક ઇરાદો ધરાવે છે. આ માટે પોતાના રામ ભૂમિ ફાર્મમાં બીજામૃત, આચ્છાદાન, જીવામૃત/ ઘન જીવામૃત, વાપ્સા જેવી પ્રાકૃતિક કૃષિ આધારિત પદ્ધતિઓ અપનાવી છે.
ખેડૂત હિતેશભાઈના જણાવ્યા અનુસાર ૧ હેક્ટર જમીનમાં ૫૦૦ ગ્રામ જીવામૃતને પાણીની સાથે નાંખીને વાપરી શકાય. આ જીવામૃતને દર મહિને આપી શકાય છે. ડીએપી, ફૉસ્ફરસ, પોટાશ વગેરેની જગ્યાએ માત્ર જીવામૃત કે ઘન જીવામૃતના ઉપયોગથી વાવેતરમાં ખૂબ સારી વૃદ્ધિ થાય છે તેમજ જે તે પાકમાં જીવાત વગેરેનો ઉપદ્રવ રહેતો નથી. આ સિવાય કીટનો નાશ કરવા માટે પણ પ્રાકૃતિક ઢબે તૈયાર કરેલા કીટનાશકો નિમાસ્ત્ર, દશપર્ણીઅર્ક, ફ્લાવરિંગ વગેરેથી ખૂબ સારા પરિણામ મળે છે.
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રાકૃતિક ખેતીની પ્રીતિ જગજાહેર છે. એમની આ બાબતની મહત્વાકાંક્ષાઓને રાજ્ય અને દેશના ખેડૂતોએ જાણી છે અને તેમના માર્ગદર્શન હેઠળ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી છે. હિતેશભાઈ પટેલ પણ ૫૦ જેટલા ખેડૂત મિત્રો સહિત ગુરુકુળ કુરુક્ષેત્રના ફાર્મ પર મુલાકાતે ગયા હતા. હિતેશભાઈ જણાવે છે કે ખેતીમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી જમીન સુધરે છે, ખર્ચ ઘટે છે અને એથી સારું ખેડૂતોની આવક પણ વધે છે. તેમણે રાજ્યપાલશ્રીની વાતને ટાંકતા કહ્યું કે ઘરમાં એક ગાય પણ હોય તો ૩૦ એકર જેટલી જમીનમાં જીવામૃત બનાવી પહોંચાડી શકાય છે. વધુમાં તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી એક ખેડૂત કરે, પછી ગામ કરે, રાજ્ય કરે અને પછી સમગ્ર દેશ કરતો થઈ જાય તો દેશની જમીન અને પ્રકૃતિ કેટલી હરિયાળી બની જાય.
હિતેશભાઈની પ્રાકૃતિક ખેતીની જહેમતથી તેમનું ફાર્મ એક મોડલ ફાર્મ બન્યું છે. તેમના ફાર્મમાં બાગાયત ખાતા તરફથી અને આત્મા સંસ્થા દ્વારા ખેડૂતોની જાગૃતિ માટે તાલીમ શિબિરનું આયોજન પણ સમયાંતરે કરાય છે. હિતેશભાઈ જણાવે છે કે, ‘ખેતર એક પ્રયોગશાળા છે અને ખેડૂત તેનો વૈજ્ઞાનિક છે.’ પોતાની વાતને ચરિતાર્થ કરતાં તેમણે પોતાના ખેતરમાં ખાતર પહોંચાડવા માટે જાતે મશીન તૈયાર કર્યું છે જેને ટ્રેકટરની સાથે જોડીને ખૂબ ઓછા સમયમાં જીવામૃત કે દવા વગેરે આપી શકાય છે. દવા છંટકાવ માટેનું મશીન બજારમાં ૪૫ થી ૫૦ હજારમાં મળે છે જ્યારે જાતે તૈયાર કરેલું મશીન ૩૫ હજાર રૂપિયામાં તૈયાર થાય છે.
હિતેશભાઈએ પ્રાકૃતિક ખેતીની સાથે સાથે ગાય આધારિત વસ્તુઓમાંથી એન્ટિ બેક્ટેરિયલ શેમ્પૂ અને ફિનાઇલ વગેરે બનાવ્યા છે. તેમની પ્રાકૃતિક ખેતીની પ્રીતિને વિવિધ સંસ્થાઓએ બિરદાવી છે. તેમના કાર્યો માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા તેમણે પ્રાકૃતિક ખેતી માટે હેકટર દીઠ ૨૫ હજાર રૂપિયાની સહાય અપાઈ છે. આ ઉપરાંત ગાય આધારિત ખેતી માટે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત પણ સહાય આપવામાં આવી છે. તેઓ જણાવે છે કે બાગાયત ખાતું, આત્મા સંસ્થા અને ગુજરાત સરકારના કૃષિ સહકાર વિભાગના સંપૂર્ણ સહયોગથી તેમણે પ્રાકૃતિક કૃષિમાં સફળતા મળી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *