મનોરંજન

મુછાળી મા ગિજુભાઈ બધેકાના પુસ્તક ‘દિવાસ્વપ્ન’ પરથી બનેલી ફિલ્મ સિલ્વર જ્યુબિલી મનાવી રહી છે!

“જાણીતા શિક્ષણવિદ ગિજુભાઈ બધેકાના પુસ્તક ‘દિવાસ્વપ્ન’ પરથી બનેલી ગુજરાતી ફિલ્મ ‘દિવાસ્વપ્ન’ શિક્ષણને લગતા મહત્ત્વના પાસાને આવરી લેવામાં આવ્યા છે, ઉપરાંત પ્રાકૃતિક ખેતી સહિતના વિષયનો સમાવેશ કરાયો છે. શિક્ષણ માટેના પડકારો અને તેના ઉપાયો પણ ફિલ્મમાં વણી લેવામાં આવ્યા હોઈ વિદ્યાર્થીઓ ફિલ્મ જુએ તે માટે શિક્ષણ વિભાગ દ્વારા અધિકારીઓને સૂચના આપાઈ છે.” આવા સમાચાર અખબારમાં વાંચી વેતાળ દિવાસ્વપ્ન ફિલ્મ જોવા તૈયાર થયો અને સાથે કંપની આપવા રાજા વિક્રમને ફોન કર્યો. બન્ને ગાંધીનગર સિટી પલ્સ થિયેટરમાં ફિલ્મ જોવા પહોંચી ગયા. ફિલ્મને હજુ વાર હતી એટલે રાજા વિક્રમે વાત શરૂ કરી.
“ડિયર વેતાળ, તને ખબર છે? ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હિન્દી ફિલ્મો જ્યાં ટીવી, મોબાઈલ, ઓટીટી સામે ઝઝૂમી રહી છે ત્યારે ગુજરાતી ફિલ્મ બનાવવા ગજું જોઈએ. એમાં પણ જો બેત્રણ અઠવાડિયા ફિલ્મ ચાલી તો ખર્ચ માંડ નીકળે, એમાં ગુજરાતી ફિલ્મ સિલ્વર જ્યુબિલી મનાવે એ પણ દિવાસ્વપ્ન જેવી જ વાત છે. પરંતુ આ વાત ‘દિવાસ્વપ્ન’ ફિલ્મે સાબિત કરી છે. અત્યારે આ ફિલ્મ એકાદ બે સ્ક્રીન પર ૫૦ સપ્તાહ સુધીની સફર કાપી ચૂકી છે. ‘દિવાસ્વપ્ન’ ફિલ્મ એ ગુજરાતી ગિજુભાઈ બધેકાની વાર્તા છે. બાળકોની મુછાળી મા એટલે ગિજુભાઈ બધેકા, એમના ‘દિવાસ્વપ્ન’ પુસ્તકના એક ફકરાથી જ શરૂઆત કરીએ જેમાં એ કહે છે કે…
“મેં વાંચ્યું વિચાર્યું તો ઘણું હતું પરંતુ મને અનુભવ ન હતો. મને થયું કે મારે જાતઅનુભવ લેવા જોઈએ ત્યારે જ મારા વિચારો પાકા થશે, ત્યારે જ મારી અત્યારની કલ્પનામાં કેટલું સત્ય છે અને કેટલું પેાલાણુ છે તે સમજાશે. હું કેળવણીના વડા પાસે ગયો ને મને પ્રાથમિક શાળાના એક વર્ગ સોંપવાની માગણી કરી.
ઉપરી સાહેબ જરા હસ્યા તેમણે કહ્યું: “રહેવા દો, એ કામ તમારાથી નહીં બને. છોકરાઓને ભણાવવાં અને તેમાંય પ્રાથમિક શાળાનાં છોકરાઓને, એમાં તે નેવાના પાણીને મેાભે ચડાવવાં પડે એમ છે. વળી તમે તો લેખક અને વિચારક રહ્યા. ટેબલ પર બેસી લેખો લખવાનું સહેલુ છે, કલ્પનામાં ભણાવી દેવું પણ સહેલું છે; અધરુ છે માત્ર પ્રત્યક્ષ કામ કરવું અને તે પાર ઉતારવું…
મેં કહ્યું: “ એટલે જ તો મારે જાતઅનુભવ કરવો છે. મારી કલ્પનામાં મારે વાસ્તવિકતા આણવી છે. ઉપરી સાહેબે કહ્યું: “ભલે ત્યારે, તમારા આગ્રહ હોય તો એક વર્ષ સુખેથી અનુભવ લો. પ્રાથમિક શાળાનુ ચોથો વર્ગ હું તમને સોંપુ છું. આ તેનો અભ્યાસક્રમ છે; આ રહ્યાં તેમાં ચાલતાં પાઠય પુસ્તકો; અને આ રહ્યા રજા વગેરેના ખાતાના કેટલાક નિયમો.” મેં આદરથી એ બધાં તરફ નજર નાખી. અભ્યાસક્રમ હાથમાં લઈ ખિસ્સામાં મૂક્યો ને પાઠયપુસ્તકાને એક દોરીથી બાંધવા લાગ્યો. સાહેબે કહ્યું: “જુઓ, તમને ગમે તે અખતરા કરવાની છૂટ તેા છે જ, એ માટે તો તમે આવ્યા છો. પરંતુ એટલુ પણ ધ્યાનમાં રાખો કે બાર માસે પરીક્ષા આવીને ઊભી રહેશે તે તમારું કામ પરીક્ષાના માપે મપાશે.”
દિવાસ્વપ્ન ફિલ્મની અંદર આ ફકરો જ ટ્વિસ્ટ લાવે છે. આ સીન ફિલ્મમાં આબેહૂબ ભજવાયો છે. ફિલ્મમાં ટીચરનું પાત્ર ભજવતા રીતેષ મોભે જીવંત અભિનય દ્વારા શિક્ષકની હકારાત્મક ભૂમિકાનો મેસેજ આપવામાં પ્રાણ રેડ્યો છે. ખાસ કરીને શિક્ષક-વાલી સંવાદ અને સાથી શિક્ષકની સાથે તેમના વાર્તાલાપે ફિલ્મને અલગ ઉંચાઈ બક્ષી છે. આ શિક્ષકે ફિલ્મમાં અનેક પ્રયોગો કરી શિક્ષણ કેવી રીતે વિદ્યાર્થીઓને પ્રિય થાય એ બતાવ્યું છે. શાળાની અંદરની તોફાન મસ્તી પણ સૌને શાળાની યાદ અપાવે છે.
વર્ષો પહેલા હોલીવુડની બ્લોક બ્લસ્ટર ફિલ્મ ‘સુપરમેનલ’ની જેમ દિવાસ્વપ્ન ‘સુપરમાઈન્ડલ’ માટેની સુપર વાત લઈને આવી છે. મહેનતકશ ખેડૂતપુત્ર નરેશ પ્રજાપતિએ ‘દિવાસ્વપ્ન’ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મના ગીતો અને સ્ક્રીપ્ટમાં પણ નરેશભાઈનું પ્રદાન ધ્યાન ખેંચે એવુ છે. એક સામાન્ય ખેડૂત પરિવારમાં ઉછરેલા ફિલ્મના પ્રોડ્યુસર નરેશભાઈ શિક્ષણ જગત અને ખેતી સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલા છે એટલે જ કદાચ કૃષિ અને શિક્ષણના સામંજસ્યને લઈને ફિલ્મ બનાવવાનું ‘દિવાસ્વપ્રક્ષ એમણે જોયું છે.
શિક્ષણ સાથે ઔર્ગેનિક એગ્રિકલ્ચરની વાતને દિવાસ્વપ્નમાં સહજ રીતે સાંકળી લેવામાં આવી છે. ગામડાના અભણ પણ જાગૃત ખેડૂતના કેરેકટરમાં કલાકાર ચેતન દૈયાએ જાનદાર અભિનય કર્યો છે. આમ તો ફિલ્મમાં આ કેરેક્ટર હીરોના પિતાનું છે પણ આખી વાર્તા આ કેરેક્ટરની આસપાસ ફરે છે. ફિલ્મનુ લીડ કેરેકટર ખેડૂતપુત્ર કાનજીનું પાત્ર પ્રવીણ ગુંડેચાએ કર્યું છે. ઇઝરાયલ દેશમાં એ પોતાના પ્રોજેક્ટ સાથે જાય છે જ્યાં એ એવોર્ડ જીતીને પાછો આવે છે અને પછી પ્રાકૃતિક ખેતી માટે ગામડાના યુવાનોને તૈયાર કરે છે જ્યાં એમની સાથેનો કાનજીનો સંવાદ ફિલ્મને નવો વળાંક આપે છે. ખેડૂત પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને પેસ્ટીસાઈડ તથા રાસાયણિક ખાતરોની જગાએ ગૌમુત્ર અને છાણીયા ખાતર દ્વારા કેવી રીતે વધુ સારી ખેતી કરી શકે છે એ વિષયને રસપ્રદ રીતે વણી લેવાયો છે. શિક્ષણ અને પ્રાકૃતિક ખેતી બે ભિન્ન વિષયો હોવા છતાં ફિલ્મમાં ક્યાંય કોઇ સીનમાં કશું ખૂંચતું નથી.
સરપંચની ભૂમિકામાં બિમલ ત્રિવેદી, કાનજીની પ્રેમિકામાં ગરીમા, ખેડૂત કચરાની પતી તરીકે કલ્પના વગેરે કલાકારોએ દિવાસ્વપ્ન ફિલ્મમાં અભિનયના ઓજસ પાથર્યા છે. આટલી સરસ ફિલ્મમાં કચરાને કેમ મારી નાંખ્યો? કે પછી કોર્ટ કચેરીના સીન માત્ર હિરોઈનને પ્રમોટ કરવા નાંખ્યા હોય એવું લાગ્યું, ડિરેક્ટર કે સ્ટોરી રાઇટર જ્યારે સમાજમાં પોઝીટીવ વાત લઈ આવે છે ત્યારે અહીં પણ હેપ્પી અંત લાવી શક્યા હોત આવું અંગત મંતવ્ય છે.
વિદેશની ભૂમિ ઉપર એક દાયકો ફિલ્મોના નિર્માણનો અભ્યાસ કરી ચૂકેલા પરંતુ ગુજરાતી ભાષાની લગોલગ રહેવાના મનોરથ ધરાવતા સતિષભાઈ દાવડાના ડાયરેકશને કમાલ કરી છે. પાર્થ પીઠડીયાએ ફિલ્મને કર્ણપ્રિય સંગીતે મઢી છે. ફિલ્મને અત્યાર સુધીમાં ૫૪ જેટલા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળી ચૂક્યા છે. ફિલ્મ માત્ર મનોરંજન નથી ફિલ્મ મનોરંજન ઉપરાંત આગળ વધવા માટે નવા વિચારો આપવાનું માધ્યમ પણ બને એ જરૂરી છે. મહારાષ્ટ્ર, બંગાળ, તમિલ, તેલુગુ પ્રાદેશિક ફિલ્મો મોટા પ્રમાણમાં સફળ થાય છે, કારણ કે લોકો હિન્દી ફિલ્મ કરતા પ્રાદેશિક ફિલ્મોને વધુ પ્રેમ કરે છે. એ પ્રમાણે ગુજરાતી ફિલ્મો પણ હવે લોકો માણતા થયા છે. આની પાછળ હવેની ગુજરાતી ફિલ્મોના કથાનક, એડિટીંગ, એક્ટિંગ, ડાયરેકશન, લોકેશન વગેરેમાં ક્રિકેટર સૂર્યકુમાર યાદવના શોટ જેવી વેરાયટી જોવા મળે છે.
મ્યુઝીક ડાયરેક્ટર તરીકે પાર્થ પીઠડીયાએ અદભુત કામ કર્યું છે જયારે ગુજરાતના જાણીતા સંગીતકાર મૌલિક મેહતા અને જય મેહતાએ આ ફિલ્મમાં મનમોહક બેકગ્રાઉન્ડ મ્યુઝીક આપ્યું છે. જીગરદાન ગઢવી, પાર્થ ઓઝા, હાર્દિક દવે અને અપરાજીતા સિંગ જેવા જાણીતા ગાયકોએ આ ફિલ્મના ગીતો ગાઈને અવાજનો જાદુ રેલાવ્યો છે.
જ્યારે મુખ્ય કલાકારોમાં જાણીતા એક્ટર ચેતન દૈયા, કલ્પના ગાગડેકર, પ્રવીણ ગુંદેચા, ગરિમા ભારદ્વાજ, રિતેશ મોભ, બિમલ ત્રિવેદી, રાજન ઠાકર, ભવ્ય મેજીએતર, અભિલાષ શાહ સહિતના અનેક ઉત્તમ કલાકારોએ અભિનય કર્યો છે. મીડિયામાં આગળ પડતું નામ દેવાંગ ભટ્ટે અને શિક્ષણ જગતમાં મોટું નામ એવા અર્ચિત ભટ્ટે પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આ ફિલ્મના પ્રોડ્યુસર વી.આઇ.પી. એકેડમીના ડિરેકટર નરેશ પ્રજાપતિ છે કે જેઓ એક કવિ, લેખક, વિચારક અને મોટીવેશનલ સ્પીકર પણ છે. તેમનો આ ફિલ્મની સફળતા પાછળ સિંહ ફાળો છે. આ ફિલ્મના ગીતો ઉપરાંત તેમણે એડીશનલ સ્ક્રીનપ્લે અને અદભુત સંવાદો પણ લખ્યા છે. ગુજરાતી ફિલ્મ દિવાસ્વપ્ન જ્યારે એક સરસ સંદેશ લઈ આવી છે અને માઉથ પબ્લિસિટી પામી છે એના મૂળમાં તો ગિજુભાઈ બધેકાનું પુસ્તક દિવાસ્વપ્ન જ દેખાય છે!”
“પણ મહારાજ, તમને આખી સ્ટોરી ખબર કેવી રીતે પડી?” “ડિયર વેતાળ, હું મારા સિપોરના મિત્ર પોષક પટેલ સાથે આ ફિલ્મ અગાઉ જોઈ આવ્યો છું…” એમ કહીને એ ખડખડાટ હસી પડ્યા. ફિલ્મ શરૂ થવા જઈ રહી હતી અને બન્ને જણા થિયેટરમાં ગોઠવાઈ ગયા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x