ગુજરાત

૧.૨૭ લાખ ગુજરાતીઓએ સાયબર બેંક ફ્રોડમાં રૂ.૮૧૫ કરોડ ગુમાવ્યા

ગુજરાત સહિત દેશમાં વધતા જતા સાયબર ક્રાઈમ સામે હવે રાજયમાં સીઆઈડીએ આકરા પગલા લઈને રાજયની જનતાની સાથે રૂ.૮૧૫ કરોડની છેતરપીંડી તથા નાણાકીય ઉચાપત કરનાર ૩૦ હજારથી વધુ સીમકાર્ડનો ઉપયોગકર્તાને બ્લેક લીસ્ટેડ કર્યા છે. મોબાઈલ પર સર્જીકોલ એસએમએસ કે અન્ય રીતે મોબાઈલ ધારકને તેના આધાર અપગ્રેડેશન અથવા બેંક કેવાયસી અપગ્રેડેશન સહિતના મુદે છેતરીને તેના બેંક ખાતામાંથી જંગી નાણા ઉચાપત કરવાના સતત વધતા જતા કેસમાં ૨૦૨૦થી અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧.૨૭ લાખ લોકો સાથે ૮૧૪.૮૧ કરોડની છેતરપીંડી થઈ છે.

જેમાં અનેકની જીવનભરની બચત પણ ઉપડી ગઈ છે અને દર એક કલાકે ગુજરાતમાં પાંચ લોકો સાથે સાયબર ક્રાઈમ થાય છે. ગુજરાત પોલીસની સીઆઈડી ક્રાઈમ યુનીટે અત્યાર સુધીમાં ૩૦૦૧૯ મોબાઈલ ઉપયોગકર્તાને તેના સીમકાર્ડના આધારે બ્લોક કર્યા છે. મોટાભાગના મોબાઈલ નંબર રાજસ્થાનના મેવાડ, અલવર, ભરતપુર ઉપરાંત ઉતરપ્રદેશના મીરઠ, ગાઝીયાબાદ, નોયડા અને પશ્ર્‌ચિમબંગાળના ગ્રામીણ વિસ્તારમાં મેળવાયેલા સીમકાર્ડના આધારે ઓપરેટ કરાતા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનીકેશન દ્વારા આ પ્રકારના શંકાસ્પદ મોબાઈલનું રીવેરીફીકેશન પણ કરાવવામાં આવ્યુ હતું જેમાં ૭૫ ટકા તો ડીએકટીવેટેડ હતા.
આ અંગે સાયબર ઓપરેશનના નિષ્ણાંત મુકેશ ચૌધરીના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના કૌભાંડ કરનાર પ્રી-એકટીવેટેડ મોબાઈલ સીમકાર્ડ મેળવે છે અને તેની આખી ગેંગ ચાલે છે અને તેઓ બીજા રાજયોમાં આ પ્રકારના અપરાધો આચરે છે. તેઓ માને છે કે પોલીસ હજારો કિલોમીટર દૂર જઈને નાની રકમ માટે તપાસ નહી કરે અને નાણા ગુમાવનાર પણ થોડીક ઓછી રકમ હશે તો પોલીસ ઝંઝટમાં નહી પડે.
વાસ્તવમાં સૌથી મોટી મુશ્કેલી સાયબર ક્રાઈમ અને આ પ્રકારના ફાઈનાન્સીયલ ફ્રોડ માટે અલગથી કોઈ કાનૂન નથી અને તેથી નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોમાં આ પ્રકારના ગુન્હાઓ સૌથી ઓછા નોંધાય છે. ગુજરાતમાં ૨૦૨૩માં પ્રથમ ૩૪ દિવસમાં આ પ્રકારે રોજના સરેરાશ રૂ.૧.૩૭ કરોડની સાયબર છેતરપીંડી થઈ છે જેમાં મોટાભાગની નાની રકમ હોય છે અને તેઓ મોબાઈલ ધારકને આસાનીથી પોતાની જાળમાં લઈ લે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x