બેરોજગારી મુદ્દે હવે ગુજરાત સરકાર ભીંસમા મુકાઈ : કંપની સર્વેમાં 50 હજાર નોકરી સામે 62 હજાર વિદ્યાર્થી : સરકાર સેન્ટ્રલ પ્લેસમેન્ટ ફેર કરશે.
અમદાવાદ :
બેરોજજગારી મુદ્દે હવે ગુજરાત સરકાર ભીંસમા મુકાઈ છે અને રાજ્યમાં લાખો યુવાનો બેરોજગાર હોવા સાથે આંકડો વધી રહ્યો છે ત્યારે સરકાર સેન્ટ્રલ પ્લેસમેન્ટ ફેર કરશે.જેમાં તમામ જિલ્લામાં ૨૪ કેન્દ્રોમાં પ્લેસમેન્ટ ફેર યોજાશે.
સરકારે આ પ્લેસમેન્ટ ફેર માટે પ્રોફેસરો પાસે કરાવેલા કંપનીઓના સર્વેમાં ૫૦ હજાર નોકરીઓ હાલ માર્કેટમાં હોવાનું ધ્યાને આવ્યુ છે.જેની ૬૨ હજારથી વધુ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થયુ છે.
રાજ્ય સરકાર દ્વારા ૨૮ જાન્યુઆરીથી ૧૫ ફેબુ્રઆરી દરમિયાન સેન્ટ્રલ પ્લેસમેન્ટ ફેર વિવિધ જીલ્લામાં યોજાનાર છે.જેમાં રાજ્યના તમામ જિલ્લામાં ૨૪ કેન્દ્રોમાં કેમ્પ્સ પ્લેસમેન્ટ થશે.કેટલાક જીલ્લાઓને ભેગા કરીને એક સેન્ટર બનાવવામા આવ્યુ છે.
આ સેન્ટ્રલ પ્લેસમેન્ટમાં ઉચ્ચ શિક્ષણમાં યુજી-પીજી તેમજ એન્જિનિયરિંગ સહિતના વિવિધ કોર્સના ફાઈનલ યરના એટલે કે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને નોકરી અપાશે.ભાગ લેનારી કંપનીઓ દ્વારા પ્રાથમિક તબક્કે વિદ્યાર્થીઓને સ્ક્રિનિંગ કરાશે અને ત્યારબાદ કંપનીઓમાં ઓન સ્પોટ પ્રેક્ટિકલ ઈન્ટરવ્યુ બાદ નોકરી ઓફર કરાશે.
આ પ્લેસમેન્ટ ફેરમાં રાજ્યની ૫૧૪ કોલેજો પાસેથી વિદ્યાર્થીઓની માહિતી મંગાઈ હતી જેમાંથી ૪૪૦ કોલેજોએ માહિતી આપી હતી.જેમાં ૧૦૯ સરકારી, ૩૫૪ ગ્રાન્ટેડ અને ૫૧ ડિગ્રી- ડિપ્લોમા ઈજનેરી કોલેજો છે.
કોલેજો પાસેથી મળેલી માહિતી મુજબ ૧.૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા વર્ષના છે અને જેમાંથી ૬૨ હજારથી વધુ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.જેની સામે રાજ્યની વિવિધ કંપનીઓઃઈન્ડસ્ટ્રીમાં સર્વે કરી વિવિધ સેકટરની શોધવામા આવેલી ખાલી જગ્યાઓ ૫૦ હજાર જેટલી છે. રાજ્યની ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજોના પ્રોફેસરો-આચાર્યોને સરકારે પ્લેસમેન્ટ ઓફિસરો બનાવી કંપનીઓમાં સર્વે કરવા મોકલ્યા હતા.જેમાંથી મળેલા ડેટા મુજબ સૌથી વધુ એકાઉન્ટિંગ ફિલ્ડની ૧૬૧૪૦ તથા બેંકો સહિતની સર્વિસ સેકટરની ૭૫૦૦ જેટલી જગ્યા છે.
આ ઉપરાંત માર્કેટિંગ ફિલ્ડની, સેલ્સમેન તથા ઓફિસ સર્વિસ કેટેગરીની પણ જગ્યાઓ છે.આ પ્લેસમેન્ટ ફેરમાં યુજી-પીજીના વિદ્યાર્થીઓને ૧૧ હજારથી લઈને ૨૦ હજાર સુધીની નોકરીઓ અપાશે જ્યારે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ૪ લાખ સુધીનું વાર્ષિક પેકેજ મળે તેવી નોકરીઓ ઓફર કરાશે.