સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું, અમદાવાદ અને ગાંધીનગરમાં 2 વર્ષમાં 37.38 કરોડનો દારૂ પકડાયો
ગુજરાતમાં કહેવાતી કડક દારૂબંધી છતાં રાજ્યમાં પ્રવેશતો વિદેશી દારૂ બંધ થઈ રહ્યો નથી અને પોલીસ દેશી દારૂનું ઉત્પાદન અટકાવી શકી નથી. ચોંકાવનારી બાબત સામે આવી છે કે અગાઉ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી દારૂ પકડાતો હતો પરંતુ હવે પાટનગરમાં પણ દારૂની હેરાફેરી જોવા મળી રહી છે.
વિધાનસભામાં ગૃહ વિભાગે કબૂલ્યું છે કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 37.38 કરોડનો દેશી-વિદેશી દારૂ ઝડપાયો છે. સભાગૃહમાં આપવામાં આવેલા આંકડાઓ મુજબ દર વર્ષે અમદાવાદ શહેર, ગ્રામ્ય વિસ્તાર, ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી રૂ.18 થી 20 કરોડનો દારૂ ઝડપાય છે. ગુજરાતના રાજકીય અને ઔદ્યોગિક પાટનગરની આ હાલત હોય તો રાજ્યના અન્ય જિલ્લાઓ અને શહેરોની શું હાલત હશે તેનો અંદાજો લગાવી શકાય છે.
આ બે શહેરો અને જિલ્લાઓની પોલીસે બે વર્ષમાં 51 લાખ રૂપિયાનો દેશી દારૂ જપ્ત કર્યો છે. 35.83 કરોડનો વિદેશી દારૂ અને 1.04 કરોડની બિયર જપ્ત કરવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં પકડાયેલા દારૂની હેરાફેરીમાં આરોપીઓને પોલીસ પકડી લે છે, પરંતુ છૂટ્યા બાદ ફરી એ જ ધંધામાં લાગી જાય છે. બે વર્ષમાં દારૂની હેરાફેરી અને સંગ્રહખોરીના 360 આરોપી પકડવાના બાકી છે.