ગુરુ ઋણ સ્મરણ મહોત્સવ અંતર્ગત થરાદમાં નીકળી ભવ્ય શોભા યાત્રા
થરાદ ની અંદર શ્રી જયંત સેનસુરીજી મહારાજ સાહેબનો પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. તારીખ 9/ 3/ 2023 ના રોજ થનાર આ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ચોથો દિવસ હતો. આજે વહેલી સવારે 10:00 વાગે વરખડી ધામ થી ભવ્ય શોભા યાત્રાનો પ્રારંભ થયેલ. જેમાં ગચ્છાધિપતિ શ્રી નિત્ય સેનસુરીજી મહારાજા તથા શ્રી જયરત્ન સુરીજી સહિત મોટી સંખ્યામાં સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રા હતી. વિવિધ રીતે શણગારેલી ઉંટ ગાડીઓમાં વિવિધ રચનાઓ કરાઈ હતી. ગુજરાતની અનેક કલાકાર મંડળીઓ પણ આમાં સામેલ હતી. વરઘોડામાં સૌથી આગળ મંદ મંદ ચાલે ચાલતા ગજરાજ હતા. તે પછી 15 જેટલા ઘોડા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે: મૂળ થરાદના પણ અત્યારે સુરત, મુંબઈ, અમદાવાદ, ઊંઝા, ડીસા, પાટણ, નવસારી, આણંદ, નડિયાદ વિગેરે શહેરોમાં રહેતા તથા વિદેશોમાં પણ રહેતા 5000 થી વધુ જૈનો આજે થરાદમાં ઉમટી પડ્યા હતા. થરાદની શેરીઓમાં આજે ચારે બાજુ નાચતા નાચતા યુવાનો જ દેખાતા હતા. આ ભવ્ય શોભાયાત્રા 12:00 વાગ્યે મોટા મહાવીર જિનાલયે સંપન્ન થયેલી. ઘણાને એમ હશે કે કોણ છે શ્રી જયંતસેન સૂરીજી?તો જાણી લો કે થરાદની અંદર તેમણે પોતાના બચપણનો સમય પસાર કર્યો હતો. તેમનો જન્મ થરાદ નજીક પેપરાળ ગામમાં થયો હતો. શ્રી જયંત સેનસુરીજી આજીવન ખાદીધારી હતા.તેઓ પ્રખર દેશપ્રેમી હતા.તેમના ઉપદેશથી અનેક જાપાનીજોએ માંસાહારનો ત્યાગ કરેલ છે. આ આચાર્ય ભગવંતે 2,000 થી વધારે ભક્તિ ગીતોની રચના કરીને ગુજરાતી ધાર્મિક સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. શ્રી જયન્તસેન સુરિજીના અનુયાયીઓમાં હિન્દુ મુસ્લિમ શીખ જૈન તમામનો સમાવેશ થાય છે. અને એટલે જ ચારે બાજુ તેમનું નામ ગુંજી રહ્યું છે. આ અવસરને અનુલક્ષીને થરાદના તમામ ધર્મના ધાર્મિક સ્થાનો ઉપર રોશની કરવામાં આવી છે. સંપૂર્ણ થરાદના ઘેર ઘેર મીઠાઈ આપીને દરેકના મોં મીઠા કરાવવામાં આવ્યા છે. આવતીકાલે 9/ 3 /23 ના રોજ આ મહાન આચાર્ય ભગવાનની અતિ ભવ્ય જિનાલયમાં થરાદમાં પ્રતિષ્ઠા થશે.