ગુજરાત

CNG-PNGના ભાવમાં 10 થી 12% નો થઈ શકે છે ઘટાડો

નવી દિલ્હી :
આગામી પહેલી એપ્રિલથી દેશમાં સીએનજી અને પીએનજીના ભાવમાં લગભગ ૧૦થી ૧૨ ટકા સુધી ઘટાડો થઈ શકે છે. વાહનોમાં વપરાતા સીએનજી અને ઘર વપરાશ માટેના પીએનજીના ભાવમાં કિલો દીઠ ૮થી ૧૦ રૂપિયા સુધી ઘટાડો થાય તેમ છે. આ બંને ફ્યુઅલના ભાવ નક્કી કરવા માટે કિરીટ પરિખ પેનલની નિમણૂક કરવામાં આવી હતી જેણે એક રિપોર્ટ આપ્યો છે અને સરકારે તે રિપોર્ટ સ્વીકારી લીધો હોવાનું માનવામાં આવે છે.
જાે આ મુજબ બંને ફ્યુઅલના ભાવ ઘટે તો પહેલી એપ્રિલથી સીએનજી અને પીએનજીના વપરાશકારોને મોટો ફાયદો થઈ શકે છે. એકલા ગુજરાત રાજ્યમાં સીએનજી ફ્યુઅલથી ચાલતા વાહનોની સંખ્યા લગભગ ૧૧ લાખ છે. આ તમામ વાહનચાલકોને હવેથી નીચા ભાવે સીએનજી મળી શકે છે. ગુજરાતમાં પીએનજીના કનેક્શનની સંખ્યા ૨૫ લાખ જેટલી છે. ગુજરાત ગેસ પાસે હાલમાં ૧૮ લાખ ગ્રાહકો છે જ્યારે અદાણી ગેસના ગ્રાહકોની સંખ્યા ત્રણ લાખની આસપાસ છે.
આ ઉપરાંત બીજી કંપનીઓના ગેસ કનેક્શન પણ છે. સરકારે કિરીટ પરિખ પેનલનો અહેવાલ સ્વીકારી લીધો હોવાનું માનવામાં આવે છે. ટૂંક સમયમાં આ વિશે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ક્રિસિલ રેટિંગ્સના સિનિયર ડિરેક્ટર મનીષ ગુપ્તાએ જણાવ્યું કે સરકાર સીએનજી અને પીએનજી ગ્રાહકોને ગેસના ભાવમાં થયેલા ઘટાડાનો લાભ આપશે તેમ માની લઈએ તો તેમને ૧૦થી ૧૨ ટકાનો ફાયદો થઈ શકે છે. અન્ય એક એનાલિસ્ટે કહ્યું કે ભલામણો સ્વીકારાઈ જાય તો ગ્રાહકોને કિલો દીઠ પાંચથી ૧૦ રૂપિયાનો ફાયદો થઈ શકે છે. દિલ્હીમાં સીએનજીનો ભાવ ૭૯.૫૬ રૂપિયા પ્રતિ કિલો ચાલે છે, જ્યારે ડોમેસ્ટિક પીએનજીનો ભાવ ૫૨.૫૯ રૂપિયા પ્રતિ એસસીએમ છે.
કિરીટ પારેખ સમિતિએ ભલામણ કરી છે કે ઓઈલ ફિલ્ડમાંથી પેદા થતા નેચરલ ગેસનો ભાવ ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટની માસિક એવરેજના ૧૦ ટકા રાખવો જાેઈએ. તેના માટે ૪ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ)ની ફ્લોર પ્રાઈસ અને ૬.૫ ડોલર પ્રતિ એમએમ બીટીયુની ટોચ મર્યાદા રાખવા માટે ભલામણ કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x