મહેસાણામાં 5 સપ્તાહમાં સૌથી વધુ બાજરી સાથે 83.50% ઉનાળુ વાવેતર
ઉનાળુ વાવેતર શરૂ થયાના 5 સપ્તાહના અંતે ઉત્તર ગુજરાતની 4 લાખ હેક્ટરના અંદાજ સામે 3.67 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. એટલે કે, અત્યાર સુધીમાં 91.65% વાવેતર થયું છે. 5 જિલ્લા પૈકી પાટણમાં 123.14% અને સાબરકાંઠામાં 101.85% વાવેતર થતાં અંદાજના પાર પહોંચ્યું છે. જ્યારે બનાસકાંઠામાં 92.19%, મહેસાણામાં 83.50% અને અરવલ્લીમાં 62.65% વાવેતર થયું છે.
વાવેતરની પાક પરિસ્થિતિ જોઇએ તો, બાજરીનું 1,76,977 હેક્ટર, મકાઇનું 1,745 હેક્ટર અને ડાંગરનું 242 હેક્ટર મળી ધાન્યનું કુલ વાવેતર 1,78,964 હેક્ટર થયું છે. મગનું 3,570 હેક્ટર અને અડદનું 17 હેક્ટર મળી કઠોળનું કુલ વાવેતર 3,587 હેક્ટર થયું છે. મગફળીનું 24,683 હેક્ટર અને તલનું 696 હેક્ટર મળી તેલીબીયાં પાકનું કુલ વાવેતર 25,379 હેક્ટર થયું છે.
જ્યારે શાકભાજીનું 14,308 હેક્ટર, ઘાસચારાનું 1,38,897 હેક્ટર અને અન્ય પાકોનું 6283 હેક્ટર વાવેતર થયું છે. કૃષિ નિષ્ણાતના મતે, માવઠાંના કારણે વાવેતર ઝડપી થઇ રહ્યું છે. જોકે, હજુ ઘઉંનો પાક લેવાનો બાકી હોઇ સામાન્ય રીતે 15 એપ્રિલની આસપાસ પૂરૂં થતું વાવેતર એપ્રિલના ત્રીજા સપ્તાહ સુધી ચાલુ રહેવાની શક્યતા છે.
5 સપ્તાહના અંતે રાજ્યની 10.09 લાખ હેક્ટરમાં ઉનાળુ વાવેતર થયું છે. તૈ પૈકી 3.67 લાખ હેક્ટર વાવેતર ઉત્તર ગુજરાતમાં થયું છે. જે 36.41% હિસ્સો છે. જ્યારે રાજ્યમાં બાજરીનું 2.70 લાખ હેક્ટર પૈકી ઉ.ગુ.માં 1.76 લાખ હેક્ટર, રાજ્યમાં મગફળીનું 59328 હેક્ટર પૈકી ઉ.ગુ.માં 24683 હેક્ટર, રાજ્યમાં ઘાસચારાનું 3.14 લાખ પૈકી ઉ.ગુ.માં 1.38 લાખ હેક્ટર અને રાજ્યમાં શાકભાજીનું 91665 હેક્ટર સામે ઉ.ગુ.માં 14308 હેક્ટરમાં વાવેતર થયું છે. એટલે કે રાજ્યના કુલ વાવેતરમાં ઉત્તર ગુજરાતની બાજરીનો 65.32%, મગફળીનો 51.76%, ઘાસચારાનો 44.28% અને શાકભાજીનો 16.39% હિસ્સો અત્યાર સુધીના વાવેતરમાં રહ્યો છે