ઇન્ડિગો વિમાનનું મુંબઈમાં Emergency Landing: એન્જિન ફેઇલ થતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
વિમાનોમાં ખામી આવવાની ઘટનાઓ સતત વધી રહી છે. અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ (Plane Crash) બાદ આવા સમાચાર સતત પ્રકાશમાં આવી રહ્યાં છે. દિલ્હીથી ગોવા (Goa) જઈ રહેલી ઇન્ડિગો (IndiGo) ની ફ્લાઇટનું મુંબઈમાં (Mumbai) ઇમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરાવવું પડ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, વિમાનનું એક એન્જિન (Engine) ફેલ થઈ ગયું હતું, જેના કારણે પાયલોટે (Pilot) મુંબઈ તરફ વિમાન વાળીને છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport) પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એક એન્જિન ફેલ થયા બાદ પણ વિમાન ૧૭ મિનિટ સુધી આકાશમાં ઉડતું રહ્યું હતું, જે દરમિયાન વિમાનમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. રાત્રે ૮ વાગ્યે દિલ્હીથી ટેક-ઓફ (Take-off) કરનારી આ ફ્લાઇટ અડધો કલાક લેટ હતી. ૧૨ જૂને અમદાવાદમાં થયેલી દુર્ઘટના બાદ વિમાનોમાં ટેકનિકલ (Technical) સમસ્યાઓના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં વિમાનના એન્જિનમાં ખામીના ૬૫ કેસ નોંધાયા હોવાનો એક રિપોર્ટમાં ખુલાસો થયો છે. સદનસીબે, મુંબઈમાં થયેલા આ ઇમરજન્સી લેન્ડિંગમાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી, અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.